જેલમાં આવતી દરેક વ્યક્તિ શું રીઢા ગુન્હેગાર હોય છે ? – એમ એમ.દવે નિવૃત જેલર સાબરમતી સેન્ટ્રલ જેલ

તા.15/04/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
નમસ્કાર મિત્રો આગળના પ્રકરણમાં મેં જણાવ્યું હતું કે દુનિયાને જેલોની જરૂરિયાત શા માટે છે ? સાથે એ પણ જણાવ્યું હતું કે દુનિયામાં દરેક લોકો સજ્જન ક્યારેય હોતા નથી માટે દુર્જનને દંડ દેવો આવશ્યક છે જેલો વિનાની દુનિયા સંભવી જ ન શકે જેલો રીઢા ગુન્હેગારો માટે જ છે. જેલો ન હોય તો અસમાજિક તત્વો સામાજિક લોકોને શાંતિથી જીવવા પણ ન દે પરંતુ આજે મારે એ કહેવું છે કે જેલમાં આવનાર દરેક વ્યક્તિ મોટા ટેરેરીસ્ટ કે રીઢા ગુન્હેગાર હોય એ જરૂરી નથી. સામાન્ય લોકોના દિમાગમાં ફિલ્મોમાં જોયેલી જેલોનું ચિત્ર અંકિત થયેલું હોય પરંતુ એ અર્ધસત્ય હોય છે. પરંતુ ત્રીસથી પાંત્રીસ ટકા સ્થાપિત ગુન્હેગારોને બાદ કરતા જેલોમાં ૬૦ ટકાથી વધુ કેદીઓ એવા હોય છે કે જીવનમાં એક વાર ક્ષણિક આવેગ, પળભરનો ગુસ્સો કે શંકા કે ખરાબ સોબત કે ઉતાવળથી કરેલ એક ખોટો નિર્ણય વ્યક્તિને જેલ સુધી લઈ આવે છે. જેઓ વરસો સુધી પસ્તાવો અને પ્રાયશ્ચિત સાથે જેલમાં સજા ભોગવે છે આપણે ત્યાં એક કહેવત છે કે “સો ગુન્હેગારો ભલે છૂટી જાય પણ એક નિર્દોષને સજા ન થવી જોઈએ” પણ એ કહેવત આજના યુગમાં સો ટકા સત્ય સાબિત થતી નથી નિર્દોષ વ્યક્તિ પણ જેલમાં આવી જાય છે. વાંકગુન્હા વિના વરસો સુધી જેલમાં યાતના ભોગવતા મેં નજરે જોયા છે. ફરિયાદીની ગેરસમજ પોલીસની શંકા કોઈ વ્યક્તિનો ગુન્હાહિત ઇતિહાસ તો ક્યારેક ગંદી રાજનીતિ નિર્દોષ વ્યક્તિને જેલમાં લઈ આવે છે ખાસ વર્ગ જેલમાં એવો પણ હોય છે કે કોઈ ત્રાહિત વ્યક્તિ એટલે કે કોઈ નિરાધાર મહિલા કે કોઈ ગરીબ વ્યક્તિને પોતાની નજર સામે કોઈ માથાભારે બાહુબલી હેરાન કરતા હોય તો એવી વ્યક્તિને મદદ કરવાના આશયથી વચ્ચે બહાદુરી પૂર્વક કૂદી પડે છે કોઈ ગુંડા તત્વો સાથે બાથ ભીડી ઉછીતી વ્હોરી કોઈ બદમાશ કે માથાભારે તત્વને મારીને કે હત્યા કરીને પોતે સ્વમાનભેર જેલમાં આવી ખુમારીથી સજા ભોગવતા હોય છે બીજી એક ખાસ વાત મારે કરવી છે કે મારી જેલની ફરજો દરમ્યાન અમુક નિર્દોષ કેદીઓની સાચી કહાની સાંભળીને મારી માનસિકતા એવી બદલાઈ ગઈ છે કે હું ક્યારેય્ પ્રાણી સંગ્રહાલય (ઝૂ) માં પિંજરામાં બંધ નિર્દોષ પક્ષીઓને કે પ્રાણીઓને જોવા જતો નથી કારણ કે જે પક્ષીઓને કુદરતે રંગબેરંગી આકાશમાં ઊંચે વિહરવા માટે સુંદર પાંખો આપી છે જે પ્રાણીઓનું વિશાળ જંગલમાં આઝાદીથી જીવવા સર્જન કર્યું હોય એમને શું માણસના મનોરંજન માટે આજીવન પિંજરે પૂરવાના હોય ? ઝૂ માં પશુ પંખીઓને જોઈને મને જેલમાં સળીયા પાછળ જોયેલા નિર્દોષ કેદીઓના લાચાર ચહેરા યાદ આવી જાય ત્યારે અંદરથી ખૂબ જ દુઃખ થાય છે. માટે ફરી કહું છું કે દેશની સલામતી માટે સખત અને રીઢા ગુન્હેગારો માટે પોલીસતંત્ર ન્યાયતંત્ર અને જેલતંત્ર હોવું અત્યંત જરૂરી છે. સાથે એ પણ સ્પષ્ટતા કરી દઉ કે જાણે અજાણે કે ક્ષણિક આવેગમાં કરેલ ગંભીર ભૂલ પણ ક્ષમ્ય નથી હું કોઈ ક્રિમીનલની તરફદારી કદાપિ કરતો નથી. પરંતુ મારો શુધ્ધ આશય એ છે કે કોઈ પણ વ્યક્તિ નાનો મોટો ગુન્હો કરે તો ક્રિમીનલ જસ્ટીસ સિસ્ટમ એનું કામ કરે જ છે પણ જે સંજોગોનો શિકાર બની આકસ્મિક જેલમાં આવતો દરેક વ્યક્તિ સામાજિક પ્રાણી મટી જતો નથી એને પણ પરિવાર, પત્ની, બાળકો, મિત્રો બધું હોય છે. ઘણા કેદીઓમાં ઉચ્ચ રાષ્ટ્રીય ભાવના મેં જોઈ છે. સત્ય, પ્રેમ અને કરુણા ભારોભાર છલકતી જોઈ છે. એટલે આવી વ્યક્તિઓને પણ જેલ મુક્ત થયા બાદ સમાજમાં પુન: સ્થાપિત થવાનો અને સામાજિક પ્રવાહમાં ભળી પોતાનું જીવન જીવવાનો અધિકાર છે. જેલોની ચાર દીવાલોમાં જેમ નફરત, વેરઝેર, ગુસ્સો અને આગ હોય છે તેવી રીતે લાગણી, સંવેદના, સહિષ્ણુતા, દયા અને પ્રાયશ્ચિતના આંસુઓ પણ હોય છે.



