આજીવન કેદ એટલે શું ? – એમ.એમ.દવે જેલર વર્ગ 2 (નિવૃત) સાબરમતી સેન્ટ્રલ જેલ

તા.08/05/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
આપણા દેશના કાનૂનમાં નિયત કરવામાં આવેલ જુદા જુદા ગુન્હાઓમાં જુદી સજાની જોગવાઈ કરવામાં આવેલ છે. પરંતુ અમુક ઘાતકી અને ગંભીર પ્રકારનો ગુન્હો સાબિત થતા નામદાર સક્ષમ અદાલત (સેશન્સ કોર્ટ) દ્વારા આજીવન કેદ એટલે કે જન્મટીપની સજા કરવામાં આવતી હોય છે.
ઇન્ડિયન પિનલ કોડ IPC ૩૦૨ ખુન, 301 (જેલમાં અન્ય કેદીની હત્યા) ૩૦૩,(ચાલુ સજામાં પેરોલ દરમ્યાન વધુ હત્યા) ૩૦૪ બી ( દહેજ માટે આત્મ હત્યાની દુષ્પ્રેરણા આપવી) ૩૦૫, ૩૦૬ (સગીર તેમજ સગીર સિવાય કોઈને આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપવી, ૩૭૬ (બલાત્કાર) ૩૭૬ ડી (ગેંગરેપ કે સામૂહિક બળાત્કાર વિથ હત્યા) ૩૬૪ A અપહરણ વિથ હત્યા ,૩૯૬ (લૂંટ વિથ હત્યા) અને દેશ કે રાજ્ય વિરોધી આતંકવાદી પ્રવૃતિના ગુન્હા સબબ સક્ષમ અદાલત દ્વારા આજીવન કેદની સજા ફરમાવવામાં આવતી હોય છે. આજીવન કેદની સજા એટલે કે જીવન પર્યંત જેલમાં રહેવું એવો અર્થ થાય છે. ઉપરોક્ત ગુન્હાઓ પૈકી અમુક હત્યા કે ગેંગરેપ જેવા ગુન્હામાં નામદાર કોર્ટ દ્વારા ત્રણ જ પ્રકારનો ચુકાદો આપવામાં આવતો હોય છે. આરોપી નિર્દોષ સાબિત થાય અથવા આજીવન કેદની સજા અથવા રેરર ઓફ રેરર કિસ્સામાં મૃત્યુદંડ મતલબ ફાંસીની સજા પણ કરવામાં આવે છે. પણ મહતમ ૯૯.૯૯ ટકા કિસ્સામાં અદાલત દ્વારા આજીવન કેદની સજા કરવામાં આવતી હોય છે. ગુજરાતની જેલોમાં આશરે ૩૦૦૦+૫૦૦ =૩૫૦૦ થી વધુ કેદીઓ આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે. આજીવન કેદની સજા થયાં બાદ જેલ પ્રશાસન દ્વારા UTP એટલે કાચા કેદીમાંથી પાકા કેદીમાં તબદીલ કરવામાં આવે છે. કેદી કપડા, ટોપી, સખત કામ સોંપવામાં આવે છે. જેલમાંથી પાકા કેદી સજા સામે નામદાર હાઈકોર્ટમાં અપીલ કરી શકે છે. હાઈકોર્ટમાં અપીલ ચાલી જતા આરોપી નિર્દોષ પણ છુટી જાય અથવા સજાને બહાલી આપવામાં આવે તો કેદી દ્વારા નામદાર સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવે છે, ત્યાં પણ છૂટી જાય અથવા આજીવન કેદની સજા કાયમ રાખવામાં આવે છે.ત્યારબાદ આરોપી માટે ન્યાયતંત્રના દ્વાર બંધ થઈ જાય છે. પરંતુ જેલમાં કેદી પૂરા ચૌદ વરસની કોરી સજા પૂર્ણ કરે એટલે CRPC 433 (A) મુજબ રાજ્ય સરકારને મળેલ સત્તાની રૂએ સરકાર દ્વારા વહેલી જેલ મુક્તિ માટેની કાર્યવાહી કરવામાં આવે છે. સરકાર દ્વારા એ.બી.કમિટી (એડવાઝરી બોર્ડ) ની રચના કરવામાં આવેલ હોય છે. આ કમિટીમાં ચેરમેન તરીકે સ્થાનિક ડીસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટ સભ્ય સચિવ જેલ સુપ્રિટેન્ડન્ટ અને સભ્ય તરીકે જિલ્લા પોલીસ અધિક્ષક, સેશન્સ જજ શ્રી, એક ધારાસભ્ય અને કોઈ બે બિન રાજકીય વ્યક્તિઓ હોય છે. પરંતુ અમદાવાદ ખાતે આ કમિટીના ચેરમેન તરીકે ચીફ મેટ્રોપોલિટન મેજી.શ્રી હોય છે. આ કમિટીની બેઠક દર ત્રણ માસે મળતી હોય છે. જેમાં જેલ પ્રશાસન દ્વારા પાત્રતા ધરાવતા કેદીઓના નોમીનલ રોલ તૈયાર કરવામા આવે છે જેમાં કેદીનો જેલ રેકોર્ડ, સબંધિત પોલીસ સ્ટેશનનો અભિપ્રાય, સજા કરનાર કોર્ટનો અભિપ્રાય, માનનીય કલેકટરનો અભિપ્રાય વિગેરે સાથેની દરખાસ્ત કમિટી સમક્ષ મૂકવામાં આવે છે. કમિટી દ્વારા આવા કેસોની સમીક્ષા કરતા કમીટીને યોગ્ય જણાય તો રાજ્ય સરકારશ્રીને હકારાત્મક અભિપ્રાય સાથે કેદીઓની બાકીની સજા માફ કરી વહેલી જેલ મુક્તિ અંગે ભલામણ સાથે દરખાસ્ત વડી કચેરી મારફત સાદર કરવામાં આવે છે. અથવા તો કમિટી દ્વારા કેદીનો ખરડાયેલ ગુન્હાહિત ઇતિહાસ, ખરાબ જેલ વર્તણૂક, જેલ શિક્ષાઑ, સેકન્ડ પોલીસ કેસો, ઉપરાંત સબંધિત કોર્ટ કે પોલીસનો નકારાત્મક અભિપ્રાય ધ્યાને લઈ કમિટી દ્વારા ઘણીવાર કોઈ કેદીને વહેલી જેલ મુક્તિનો લાભ નહી આપવા પણ ભલામણ કરવામાં આવતી હોય છે. આમ કમિટીના અભિપ્રાય સાથેની દરખાસ્ત રાજ્ય સરકાર કક્ષાએ પુખ્ત વિચારણા અંતે સરકારના પોઝીટીવ અભિપ્રાય સાથે વહેલી જેલ મુક્તિની દરખાસ્તો રાજ્યપાલશ્રી તરફ મંજૂરી અર્થે મોકલી આપવામાં આવે છે. રાજ્યપાલ દ્વારા CRPC 161 મુજબની સતાની રૂએ આવા કેદીઓને શરતોને આધીન સુધરવાની તક આપી સમાજમાં પુન સ્થાપિત થવા માટે જેલ મુક્ત કરવાના આદેશ કરવામાં આવે છે. જેના આધારે કેદીઓની બાકીની સજા માફ કરી જેલ પ્રશાસન દ્વારા કેદીને જેલ મુક્ત કરવામાં આવે છે. લાસ્ટ પાંચ વરસમાં ગુજરાત રાજ્યની જેલોમાંથી 500+50 જેટલા પુરુષ અને મહિલા કેદીઓને જેલ મુક્ત કરવામાં આવેલ છે, જ્યારે ઘણા કેદીઓને ગુન્હાની ગંભીરતા જોઈને આવી જેલ મુક્તિનો લાભ નથી મળી શક્યો. એવી ઘટનાઓ પણ બની છે કે કેદીઓને આજીવન કેદની સજામાંથી સરકાર દ્વારા વહેલી જેલ મુક્તિ અંતર્ગત જેલ મુક્ત કરવામાં આવેલ હોય પરંતુ શરતોના ભંગ બદલ અથવા બીજો કોઈ ગુન્હો આચરી ફરી જેલમાં આવી આજીવન કેદની સજા ભોગવતા હોય છે. આમ આજીવન કેદ એટલે જીવનભરની કેદ પણ રાજ્ય સરકાર સામાન્ય કેદીઓને આવી રીતે વ્હેલા જેલ મુક્ત કરી જેલોમાં કેદીઓનું ભારણ ઓછું કરે છે, કેદીઓને સુધરવાની તક આપે છે. એટલે આજીવન કેદની સજા દરમ્યાન પેરોલ રજા કે અન્ય ભોગવેલ રજાઓ મઝરે ગણી આશરે સોળ કે સતર વરસે કેદી જેલ મુક્ત થાય છે. તા. ક. ઘણીવાર કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર CRPC ૪૩૨ મુજબ સમગ્ર દેશમાં કે રાજ્યોમાં કોઈ ચોકસ રાષ્ટ્રીય તહેવારોમાં સ્ટેટ રેમીશન એક બે કે તેથી વધુ વરસની રાજ્ય માફી જાહેર કરે છે ત્યારે સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ ધારાધોરણ મુજબ દેશની કે રાજ્યની જેલોમાંથી સંખ્યાબંધ કેદીઓ એક સાથે જેલમુક્ત થતા હોય છે.ત્યારે જેલોમાં ખુશીની માહોલ જોવા મળે છે. આવી ઘટનાઓ મારી ફરજો દરમ્યાન ઘણીવાર બની છે જેનો હું સાક્ષી રહ્યો છું.



