
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
ભુજ, તા -૦૬ ઓગસ્ટ : કચ્છ જિલ્લામાં – ધી પ્રોહિબીશન ઓફ એમ્પ્લોયમેન્ટ એઝ મેન્યુઅલ સ્કેવેન્જર્સ એન્ડ ધેર રીહેબીલીટેશન એક્ટ-૨૦૧૩ અસરકારક રીતે અમલીકરણ થાય છે, તેના અનુસંધાને જિલ્લામાં હજુ પણ ક્યાંય હાથથી મેલુ ઉપાડવાનું કામ થતું હોય તો તેને રોકવા માટે સરકારશ્રી દ્વારા સર્વેની કામગીરી શરૂ કરવામાં આવેલી છે. જેના અનુસંધાને સફાઈ કામદારો હાથથી તેમજ માથે મેલુ ઉપાડતા હોય તેવા સફાઈ કામદારોની સર્વે કામગીરી ચાલુ હોવાથી દિન-૦૭માં શહેરી વિસ્તારમાં રહેતા લોકોએ નગરપાલિકાની કચેરીમાં સેનેટરી ઈન્સપેક્ટર(એસ.આઈ) અથવા નગરપાલિકા તરફથી નક્કી કરેલા કર્મચારીનો તાત્કાલિક સંપર્ક કરવો. ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોએ ગ્રામ પંચાયતમાં રજૂઆત કરી શકશે. જો નિયત સમયમાં રજૂઆત નહીં કરવામાં આવે તો પુન:સર્વેની કામગીરી કરવામાં આવશે નહી. આ સર્વેનો હેતુ કોઈ પણ પ્રકારની લોન આપવા કે અન્ય સહાય આપવા માટેનો નથી. પરંતુ જે સફાઈ કામદારો હાથેથી તેમજ માથેથી મેલુ ઉપાડતા હોય તેવા સફાઈ કામદારોને આ કામગીરીમાંથી મુક્ત કરવાનો હોવાથી તેવા જ સફાઈ કામદારોએ નગરપાલિકા/ગ્રામ પંચાયતનો રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે અને તેઓ કઈ જગ્યાએ હાથેથી તેમજ માથેથી મેલુ ઉપાડે છે તેના પુરાવા સાથે નગરપાલિકા/ગ્રામ પંચાયતને જાણ કરવાની રહેશે. તેમ જિલ્લા નાયબ નિયામક(અ.જા.ક), જિલ્લા મેનેજર ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ ભુજ-કચ્છ (વર્ગ-૧)ની અખબારી યાદીમાં જણાવાયું છે.




