GUJARATKUTCHMUNDRA

રાજ્યમાં આગામી સમયમાં ટેટ-2 પરીક્ષા નહીં લેવાય : પરંતુ આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ ટેટ-1 પરીક્ષા લેવી અનિવાર્ય

ટ્યુશન ક્લાસીસની 'રોટેશન થીયરી' અને ભ્રામક પ્રચારથી ઉમેદવારો સાવચેત રહે

વાત્સલ્યમ્ સમાચાર,

પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.

 

રાજ્યમાં આગામી સમયમાં ટેટ-2 પરીક્ષા નહીં લેવાય : પરંતુ આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ ટેટ-1 પરીક્ષા લેવી અનિવાર્ય

ટ્યુશન ક્લાસીસની ‘રોટેશન થીયરી’ અને ભ્રામક પ્રચારથી ઉમેદવારો સાવચેત રહે

મુંદરા, તા.૨૯:
ગુજરાતના શિક્ષણ જગતમાં હાલમાં સોશિયલ મીડિયા અને ખાનગી ટ્યુશન ક્લાસીસ દ્વારા એવો ભ્રામક પ્રચાર કરવામાં આવી રહ્યો છે કે રાજ્ય પરીક્ષા બોર્ડના નિયત નિયમો અને ‘રોટેશન’ મુજબ ઉચ્ચ માધ્યમિક (ટાટ-2) અને માધ્યમિક (ટાટ-1) ની પરીક્ષાઓ બાદ હવે માત્ર અને માત્ર ધોરણ ૬ થી ૮ માટેની ટેટ-2 પરીક્ષાનો જ વારો આવશે. વીડિયો માધ્યમો દ્વારા ‘પરીક્ષા આવ્યા બાદ સમય નહીં મળે’ તેવી કટોકટી ઊભી કરીને બેરોજગાર ઉમેદવારો પાસેથી એડવાન્સમાં લાખો રૂપિયાની ફી વસૂલવાનું વ્યાપારી આયોજન શરૂ કરી દેવાયું છે.
પરંતુ રાજ્ય પરીક્ષા બોર્ડ અને ભરતી બોર્ડના સત્તાવાર જાહેરનામા અને વાસ્તવિક આંકડાઓનું વિશ્લેષણ કરતા સ્પષ્ટ થાય છે કે ભલે ભૂતકાળમાં ગમે તે રોટેશન રહ્યું હોય પણ હાલની વહીવટી પરિસ્થિતિમાં ટેટ-2 ની નહીં પરંતુ ટેટ-1 પરીક્ષા તાત્કાલિક યોજવી કાયદાકીય, વહીવટી અને નૈતિક રીતે અનિવાર્ય છે.
આ તારણ પાછળના સત્તાવાર આધાર-પુરાવા, આર્થિક ગણિત અને મજબૂત દલીલો આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ નીચે મુજબ છે:

1. ‘ટેટ-2 કોર્સ’ વેચવા પાછળનું અસલી વ્યાપારીક ગણિત:

ટ્યુશન ક્લાસીસવાળાઓ માત્ર વધુ કમાણી કરવાની લાલચમાં ટેટ-2 નો જ પ્રચાર કરી રહ્યા છે કારણ કે:

* ટેટ-1 (ધોરણ ૧ થી ૫)ની આ પરીક્ષામાં માત્ર પીટીસી/ડીએલએડના ઉમેદવારો જ બેસી શકતા હોવાથી વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ જ મર્યાદિત હોય છે જેથી ક્લાસીસવાળાને મોટો આર્થિક ફાયદો થતો નથી. જ્યારે કે વાસ્તવિકતા એ છે કે હાલમાં ટેટ-1 પાસ કરનાર લગભગ તમામ ઉમેદવારોને ૧૦૦% સરકારી નોકરી મળી જશે.

* ટેટ-2 (ધોરણ ૬ થી ૮)ની પરીક્ષા માટે ગ્રેજ્યુએટ (સ્નાતક) સાથે બીએડ થયેલા ઉમેદવારોનો બહુ મોટો વર્ગ હોવાથી ગ્રાહકો (વિદ્યાર્થીઓ) ની સંખ્યા લાખોમાં થવા જાય છે. આથી નોકરીની કોઈ ગેરંટી ન હોવા છતાં માત્ર પોતાના મોટા આર્થિક ફાયદા અને કોર્સ વેચવા માટે જ લાયક યુવાનોને પરીક્ષાની ખોટી લાલચ આપવામાં આવી રહી છે.

2. ટેટ-2 પાસ ૩૦,૦૦૦થી વધુ બેરોજગાર ઉમેદવારો રાહ જોઈને બેઠા છે.

* રાજ્ય પરીક્ષા બોર્ડના સત્તાવાર પરિણામો અનુસાર ટેટ-2 પરીક્ષામાં પાસ થયેલા કુલ ૩૭,૪૫૦ ઉમેદવારોમાંથી વિદ્યાસહાયક ભરતી ૨૦૨૪ અંતર્ગત માંડ ૭,૦૦૦ જેટલા ઉમેદવારોને જ નિમણૂક મળી શકી હતી. આમ હજુ પણ ૩૦,૦૦૦ જેટલા લાયક ટેટ-2 પાસ ઉમેદવારો નોકરીની રાહ જોઈને બેઠા છે.

* સૌથી મોટું જોખમ: શિક્ષણ વિભાગના નિયમ મુજબ સામાન્ય રીતે જ્યાં સુધી નવી પરીક્ષા ન લેવાય ત્યાં સુધી જ જૂની પરીક્ષાની સર્ટિફિકેટ માન્ય ગણાતી હોય છે. જો ધોરણ ૬ થી ૮ ની ભરતી કર્યા વિના જ નવી ટેટ-2 પરીક્ષા લેવામાં આવે તો ૨૦૨૩ ની પરીક્ષા પાસ થનારા આ ૩૦,૦૦૦ ઉમેદવારોના સર્ટિફિકેટ અને મેરિટ આપોઆપ રદબાતલ (એક્સપાયર) થઈ જાય. ક્લાસીસ સંચાલકો જો ખરેખર વિદ્યાર્થીના હિતેચ્છુ હોય તો તેમણે નવી પરીક્ષા લાવીને જૂના ઉમેદવારોના સર્ટિફિકેટ રદ્દ કરાવવાના ભ્રામક વીડિયો બનાવવાના બદલે ૨૦૨૩ ના પાસ ઉમેદવારોને તાત્કાલિક નોકરી મળે તે માટે સરકારમાં રજૂઆત કરવી જોઈએ. પરંતુ ક્લાસીસવાળાઓ ઈચ્છે જ છે કે જૂના સર્ટિફિકેટ રદ્દ થાય જેથી આ ૩૦,૦૦૦ ઉમેદવારો ફરીથી મજબૂરીમાં તેમની પાસે ઊંચી ફી ભરીને એડમિશન લે!

3. ધોરણ ૧ થી ૫ (ટેટ-1) માં ઉમેદવારો ખૂટી પડતાં ફરી પાછી ૧૦,૦૦૦ની ભરતી આવશે:

ધોરણ ૧ થી ૫ ની અગાઉની ૫,૦૦૦ જગ્યાઓની ભરતીમાં ટેટ-1 પાસ (૨૦૨૩ વાળા) ઉમેદવારો ખૂટી પડતાં ૨,૨૦૦ જેટલી જગ્યાઓ ખાલી રહી જવા પામી હતી. વર્તમાનમાં જાહેર થયેલી ૧૧,૦૦૦ વિદ્યાસહાયકની મેગા ભરતી પૂર્ણ થતાં જ રાજ્યમાં ટેટ-1 પાસ તમામ લાયક ઉમેદવારોને ઓર્ડર આપવા છતાં ફરી એક વાર ૨૨૦૦ જેટલી જગ્યાઓ ખાલી રહેવાની પુરી શક્યતા છે. વધુમાં હાલ ધોરણ ૧ થી ૫ માં ફરજ બજાવતા હજારો ગ્રેજ્યુએટ શિક્ષકો ઉચ્ચ પ્રાથમિક (૬ થી ૮), આચાર્ય (એચ ટાટ) કે માધ્યમિક(૯ થી ૧૨)માં પસંદગી પામીને અને અમુક વયમર્યાદાના કારણે નિવૃત થઈને ચાલ્યા જશે જેના કારણે ધોરણ ૧ થી ૫ માં પહેલાની ૫૨૦૦ જેટલી ખાલી જગ્યાઓ સાથે જોડતા ફરીથી ૧૦,૦૦૦ જેટલી જગ્યાઓ ખાલી રહી જવા પામશે. જો નવી ટેટ-1 પરીક્ષા તુરંત લેવામાં નહીં આવે તો ફરી અનેક પ્રાથમિક શાળાઓ શિક્ષકો વિના સુની થઈ જશે.

4. દેશની સર્વોચ્ચ સંસ્થા (સુપ્રીમ કોર્ટ)નો આદેશ :

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અને દેશની સર્વોચ્ચ સંસ્થા (સુપ્રીમ કોર્ટ)ના ચુકાદા આદેશ અને સ્પષ્ટ નિર્દેશો મુજબ પ્રાથમિક શિક્ષણના સ્તરને જાળવી રાખવા માટે વર્ષમાં બે વખત શિક્ષક યોગ્યતા કસોટી (ટેટ-1)નું આયોજન થવું અનિવાર્ય હોવાનું જણાવ્યું છે. લાંબા સમયથી નવી ટેટ-1 ન લેવાય તો પીટીસી/ડીએલએડના નવા તાલીમાર્થીઓ/ઉમેદવારોને પણ મોટો અન્યાય થઈ શકવાની શક્યતા રહેલી છે.

📢 ઉમેદવારોને નમ્ર અપીલ:

ઉપરોક્ત તમામ વહીવટી પરિસ્થિતિ, સરકારી બેઠકોનું માળખું અને ગાણિતિક આંકડાઓ સાબિત કરે છે કે ૧૧,૦૦૦ ની ભરતી પૂર્ણ થતાં જ શિક્ષણ વિભાગ માટે નવી ટેટ-1 પરીક્ષા જાહેર કરવી સૌથી પહેલી વહીવટી જરૂરિયાત રહેશે. આથી તમામ બેરોજગાર ઉમેદવારોને વિનંતી છે કે ક્લાસીસવાળાઓની ‘રોટેશન થીયરી’ અને ભ્રામક માર્કેટિંગનો ભોગ બનીને આર્થિક નુકસાન ન વહોરે અને પોતાની લાયકાત અનુસાર નોકરીની વધારે શક્યતા હોય તેવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં લાગી જાય. અને આમેય ૧૦ પ્રશ્નોના સુધારા બાદ પણ નાપાસ થનારા ઉમેદવારો કોર્ટ (કે જેમાં ખોટાને સાચું કરવા માટે ફી મળતી હોય છે) કચેરીનો સહારો લઈને જો પાસ પણ થઈ જાય તો પણ ભવિષ્યની પેઢી તેમને ચડાઉં પાસ શિક્ષણ તરીકે જ ઓળખશે. અને શિક્ષણ જેવા પવિત્ર ક્ષેત્ર માટે આ શરમજનક બાબત ગણાય. આમ ઉપરોક્ત તમામ મુદ્દાઓનો અભ્યાસ કરીને કોર્ટ કેસ કરનારા નાપાસ ઉમેદવારો, તેમના વકીલો અને સરકારી વકીલો તથા ન્યાયધીશ બેરોજગાર ઉમેદવારો એવા ભાવિ શિક્ષકોના ભવિષ્યનો વિચાર કરીને તાત્કાલિક યોગ્ય નિર્ણય લે એ જ સમય, વિદ્યાર્થીઓ અને વાલીઓની માંગ છે.

 

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 

-પુજા ઠક્કર, 

9426244508, 

ptindia112@gmail.com

Back to top button
error: Content is protected !!