
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
ટેટના ઊંચા પાસિંગ ધોરણ અને મેરિટ પદ્ધતિ સુધારવાની હિલચાલ ગુજરાતના શિક્ષણને પાંગળું બનાવશે? વેધક સવાલ
મુંદરા,તા.29: ગુજરાતના પ્રાથમિક શિક્ષણમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી ભરતી પ્રક્રિયા સામે ગંભીર પ્રશ્નાર્થો ઊભા થયા છે. એક તરફ રાજ્યમાં 10000થી વધુ શિક્ષકોની ઘટ છે અને આગામી દાયકામાં 63000 જેટલી ભરતી થવાની છે ત્યારે ટેટ પરીક્ષાના અવાસ્તવિક ધોરણોને કારણે લાયક શિક્ષકો જ મળતા નથી. ગત વખતે પણ માત્ર 2800 (3 ટકા) ઉમેદવારો જ પાસ થયા હતા જે સાબિત કરે છે કે પરીક્ષાનું માળખું જ ખામીયુક્ત છે.
ઉમેદવારોની માંગ છે કે બંધારણીય સમાનતા મુજબ તમામ વર્ગના ઉમેદવારો માટે ટેટ પરીક્ષામાં પાસિંગ ધોરણ 50% (75 ગુણ) રાખવું જોઈએ. જ્યારે નોકરીમાં અનામતની જોગવાઈ અલગથી જ હોય છે ત્યારે પાસ થવા માટે 60% કે 55% ના જટિલ ધોરણો રાખીને ઉમેદવારોને બહાર ફેંકી દેવા તે અન્યાય છે. આ ઉપરાંત માત્ર બે કલાકની ભૂલભરેલી ટેટ પરીક્ષા (જેમાં 10-15 પ્રશ્નો ખોટા હોય છે) ના આધારે જ 100% મેરિટ બનાવવાની હિલચાલ એ વિદ્યાર્થીના 17 વર્ષના શૈક્ષણિક સંઘર્ષ (ધો. 12, PTC, ગ્રેજ્યુએશન) પર પાણી ફેરવવા સમાન છે. જો માત્ર પરીક્ષાલક્ષી જ તૈયારી થશે તો પાયાનું શિક્ષણ અને વિષયવસ્તુનું જ્ઞાન લુપ્ત થઈ જશે.
શિક્ષણ વિભાગ આ વીસચક્રમાંથી બહાર આવી પાસિંગ ધોરણમાં સુધારો કરી અને જૂની (ટેટ વતા શૈક્ષણિક સિધ્ધિના ગુણ) મેરિટ પદ્ધતિ જાળવી રાખીને એક સાથે ત્વરિત ભરતી કરે તે આજના સમયની માંગ છે નહિતર ગુજરાતના બાળકોનું ભવિષ્ય શિક્ષકોના અભાવે અંધકારમય બની રહેશે.

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com


