ભરૂચમાં દોઢ વર્ષ જૂની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો:વડોદરાના સોમા તળાવ વિસ્તારના આરોપીની ધરપકડ, 3.14 લાખનો મુદ્દામાલ કબજે
સમીર પટેલ, ભરૂચ
ભરૂચ પોલીસે દોઢ વર્ષ જૂની ઘરફોડ ચોરીના કેસમાં મહત્વની સફળતા મેળવી છે. એ ડિવિઝન પીઆઈ વી.યુ.ગડરીયાના માર્ગદર્શન હેઠળ પોલીસે વડોદરાના સયાજીગંજ વિસ્તારમાંથી આરોપી અમરસિંહ ઉર્ફે પાપ્ય ઉર્ફે લખનસિંહ લોહરસિંહ બાવરીને ઝડપી પાડ્યો છે.
આરોપીની પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. તેણે કબૂલ્યું કે ચોરી કરેલા સોનાના દાગીના તેના સહ-આરોપી કર્નેલસિંહ ઉર્ફે પિલુસિંહ મારફતે ભરૂચના લલ્લુભાઈ ચકલા વિસ્તારમાં આવેલી એક સોનીની દુકાને ગીરવે મૂક્યા હતા. પોલીસે સોનીને બોલાવીને પૂછપરછ કરતા જાણવા મળ્યું કે લાંબા સમય સુધી કોઈ દાગીના છોડાવવા ન આવતા તેણે તે ઓગાળી નાખ્યા હતા.
પોલીસે સોની પાસેથી 49.070 ગ્રામ વજનની સોનાની રણી, જેની કિંમત રૂ. 2,84,000 છે અને ગુનામાં વપરાયેલી હોન્ડા મોટરસાइકલ કિંમત રૂ. 30,000 મળી કુલ રૂ. 3,14,000નો મુદ્દામાલ કબજે કર્યો છે.
તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે આરોપી વિરુદ્ધ વડોદરા જિલ્લાના ગોત્રી, ગોરવા, પાણીગેટ અને સયાજીગંજ પોલીસ સ્ટેશનોમાં પણ ગુનાઓ નોંધાયેલા છે. આ રીતે આંતર-જિલ્લા ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા આ આરોપીને પકડવામાં પોલીસને સફળતા મળી છે.