અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લીમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન: મોડાસા, માલપુર અને મેઘરજમાં ધોધમાર વરસાદથી જીલ્લો તરબોળ
અરવલ્લી જિલ્લામાં એક સાથે અનેક વિસ્તારોમાં મેઘરાજાએ જમાવટ કરી છે. મોડાસા તાલુકાના સાકરીયા અને માથાસુલિયા ગામોમાં આજે સવારે ધોધમાર વરસાદ પડતા ખેતરો જળબંબાકાર બન્યા છે. અહીં છેલ્લા બે કલાકમાં આશરે 4 ઇંચથી વધુ વરસાદ પડ્યો હોવાનો અંદાજ છે. વરસાદના કારણે પશુપાલકોના પશુઓ અને હેળપમ્પ સુધી પાણી ફરી વળ્યાં છે.
માલપુર તાલુકામાં પણ મેઘરાજાની ગર્જના સાથે આગમન થયું છે. માલપુર નગર સહિત મોર ડુંગરી, જેશીંગપુર, રૂઘનાથપુર, સોનિકપુર અને ગોવિંદપુર ગામોમાં અડધા કલાકથી વધુ સમય અને સતત વરસાદ વરસી રહ્યો છે. શહેરના રાજમાર્ગો પર નદી જેવા દ્રશ્યો સર્જાયા છે. ભારે ઉકળાટ બાદ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી મેઘરજ તાલુકામાં પણ સાંજથી ધોધમાર વરસાદ શરૂ થયો છે. મેઘરજ નગર ઉપરાંત પહાડીયા, બેડજ, વાસણા, સીસોદરા, રામગઢી અને કંભરોડા જેવી જગ્યાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. ભારે વરસાદના કારણે મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા.આ વરસાદ ખેતી માટે અનુકૂળ હોવાનું મનાય છે, જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.



