GUJARATKHERGAMNAVSARI

સામાજિક કાર્યકર શ્રી ઈશ્વરલાલ બરજુલભાઈ પટેલની સતત મહેનત રંગ લાવી – ખેરગામ અને ચીખલી તાલુકાના 17 સૂકા ગામોને લિફ્ટ સિંચાઈ યોજનાની સૈદ્ધાંતિક મંજૂરી

વાત્સલ્યમ્ સમાચાર

દિપક પટેલ-ખેરગામ

નવસારી જિલ્લાના ખેરગામ અને ચીખલી તાલુકાના વર્ષોથી સિંચાઈના લાભથી વંચિત રહેલા 17 ગામોના ગરીબ આદિવાસી ખેડૂતો માટે ખુશીના સમાચાર પ્રાપ્ત થયા છે. લાંબા સમયથી ખેડૂતોની સમસ્યાનો અભ્યાસ કરીને સતત રજૂઆતો કરનાર ખેરગામ તાલુકાના સામાજિક કાર્યકર **શ્રી ઈશ્વરલાલ બરજુલભાઈ પટેલ (રૂઝવણી)**ના પ્રયત્નોને મહત્વપૂર્ણ સફળતા મળી છે.ખેરગામ તાલુકાના ધામધુમા, નડગધરી, પાણીખડક, જામનપાડા, આછવણી, ડેબરપાડા, ગૌરી, ચીમનપાડા, વડપાડા, પાટી, કાકડવેરી, બહેજ અને તોરણવેરા તેમજ ચીખલી તાલુકાના ગોડથલ, અગાસી, રૂમલા અને ઢોલુંબર ગામો વર્ષોથી સિંચાઈની સુવિધાથી વંચિત રહ્યા હતા. આ સમગ્ર વિસ્તાર ડ્રાય ઝોનમાં આવતો હોવાથી મોટાભાગના ખેડૂતો માત્ર વરસાદ આધારિત ખેતી પર નિર્ભર રહેતા હતા. આર્થિક રીતે નબળા ખેડૂતો માટે બોરવેલ કે કૂવા બનાવવાનું શક્ય ન હોવાથી ચોમાસું નિષ્ફળ જાય ત્યારે તેમને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો.આ સમસ્યાના કાયમી ઉકેલ માટે તા. 12 ઓગસ્ટ, 2025ના રોજ સામાજિક કાર્યકર શ્રી ઈશ્વરલાલ બરજુલભાઈ પટેલ તથા **શ્રી ધીરુભાઈ સી. પટેલ (ગૌરી)**એ તત્કાલીન સિંચાઈ મંત્રી માનનીય કુંવરજીભાઈ બાવળિયા સમક્ષ વિસ્તૃત રજૂઆત કરી હતી. રજૂઆતમાં ઉકાઈ ડાબા કાંઠાની નહેરમાંથી લિફ્ટ દ્વારા પાણી પહોંચાડીને આ 17 ગામોને સિંચાઈનો લાભ આપવાની માંગ કરવામાં આવી હતી.આ રજૂઆતને અનુસંધાને નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા તા. 29-07-2026ના પત્ર ક્રમાંક NWRWSKD/UCU/e-file/13/2026/4480/Section-Jથી ખેરગામ અને ચીખલી તાલુકાના સિંચાઈથી વંચિત ગામોને લિફ્ટ ઇરિગેશન યોજના દ્વારા પાણી પહોંચાડવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.આ નિર્ણયથી સમગ્ર વિસ્તારમાં આનંદની લાગણી વ્યાપી છે. યોજના અમલમાં આવ્યા બાદ હજારો એકર જમીનને સિંચાઈનો લાભ મળશે, કૃષિ ઉત્પાદન વધશે, ખેડૂતોની આવકમાં વધારો થશે અને ગરીબ આદિવાસી ખેડૂતોના જીવનમાં નવો વિકાસનો માર્ગ ખુલશે.સામાજિક કાર્યકર ઈશ્વરલાલ બરજુલભાઇ પટેલે ગુજરાત સરકાર,તત્કાલીન સિંચાઈ મંત્રી માન.શ્રી કુંવરજીભાઇ બાવળિયા સાહેબ ,હાલના સિંચાઈ મંત્રી માન.શ્રી ઈશ્વરસિંહ પટેલ અને સિંચાઈ વિભાગ ના આ યોજનાને સૈધાંતિક મંજૂરી આપવામાં જે અધિકારી સાહેબોએ મદદ કરી છે તેઓનો આ વિસ્તારના ખેડૂતો અને સામાજિક કાર્યકર શ્રી ઈશ્વરલાલ બરજુલભાઈ પટેલ દિલથી કૃતજ્ઞતા વ્યક્ત કરે છે અને આશા રાખે છે કે આ યોજના ઝડપથી અમલમાં મૂકવામાં આવે જેથી ખેડૂતોને વહેલી તકે સિંચાઈ નો લાભ મળી શકે.

Back to top button
error: Content is protected !!