વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી ,તા-૦૯ ઓક્ટોબર : ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ (સરકાર માન્ય) ની કાર્યવાહક સમિતિ ( સંકલન સભા) ની બેઠક આગામી ૧૨ ઓક્ટોબર રવિવારના બપોરે ૧:૩૦ કલાકે ‘ચાણક્ય’ ગુ.રા.પ્રા.શિ.સંઘ શૈ.સં.કેન્દ્ર, સેકટર-૧૩, ગાંધીનગર ખાતે યોજાશે. રાજ્ય સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાની અધ્યક્ષતામાં મળનારી આ સંકલન બેઠકમાં તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘોના પ્રમુખ, મહામંત્રી અને રાજ્યસંઘના હોદ્દેદારો ઉપસ્થિત રહેશે. કચ્છ જિલ્લામાંથી જિલ્લા સંઘના પ્રમુખ નયનસિંહ જાડેજા, મહામંત્રી કેરણાભાઇ આહિર, રાજ્યસંઘના કાર્યાધ્યક્ષ હરિસિંહ જાડેજા અને ઉપપ્રમુખ વિલાસબા જાડેજા આ બેઠકમાં હાજર રહી જિલ્લાને સ્પર્શતા પ્રાથમિક શિક્ષકોના પ્રશ્નો રજૂ કરશે. કાર્યવાહક બેઠકમાં તાજેતરમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે સમગ્ર રાજ્યમાં યોજાયેલ ઐતિહાસિક અને રેકોર્ડ બ્રેક મહારક્તદાન શિબિરની સફળતા બદલ તમામ જિલ્લા સંઘોને સન્માનપત્ર અર્પણ કરવામાં આવશે. આ સાથે સંગઠનની મજબૂતી માટે જિલ્લા લેવલે વિવિધ કાર્યક્રમો યોજવા આયોજન કરવામાં આવશે. તાજેતરમાં સુપ્રિમ કોર્ટ દ્વારા TET પરીક્ષા સંદર્ભે આવેલ ચુકાદા અંગે આંદોલન કાર્યક્રમ બાબતની સમીક્ષા કરવામાં આવશે. આ સાથે રાજ્યના પ્રાથમિક શિક્ષકોના વિવિધ પડતર પ્રશ્નો બાબતે ચર્ચા કરી તેના ઉકેલ માટે પ્રયાસો કરાશે. આ ઉપરાંત વર્ષ ૨૦૦૫ પછીના શિક્ષકોને પણ જૂની પેન્શન યોજનાનો લાભ અપાવવા,બદલીના નિયમોમાં સુધારા સૂચવવા વગેરે બાબતે સંકલન સમિતિના સભ્યો સાથે ચર્ચા કરી આગામી રણનીતિ ઘડી કાઢવામાં આવશે તેવું રાજ્યસંઘના મહામંત્રી જૈમિન પટેલની યાદીમાં જણાવાયું છે.