હાલોલ પાવાગઢ રોડ પર આવેલ સ્ક્રેપના ગોડાઉનમાં લાગી આગ

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૬.૩.૨૦૨૫
હાલોલ પાવાગઢ બાયપાસ રોડ ઉપર આવેલા એક સ્ક્રેપના ગોડાઉન માં આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી.હાલોલ ફાયરની ટીમે આગ ઉપર નિયંત્રણ મેળવતા આજુબાજુ રહેતા લોકોને હાંશકારો થયો હતો, આગ કેવી રીતે લાગી તે અંગે કોઈ જાણકારી મળી ન હતી પરંતુ આ અવિસ્તાર માં આવેલા સ્ક્રેપ ના ગોડાઉનો સળગવા ની દુર્ઘટનાઓ એ આજુબાજુના લોકો ની ચિંતા વધારી છે.હાલોલ પાવાગઢ બાયપાસ રોડ ઉપર રહેણાંક વિસ્તાર ની આજુબાજુ ગેરકાયદે ઉભા થયેલા અનેક ભંગાર સ્ક્રેપ ના જોખમી ગોડાઉનો માં સરકારી ગાઈડલાઈન નો ભંગ કરી ખુલ્લેઆમ ઔદ્યોગિક એકમોનો વેસ્ટ ઠાલવવામાં આવી રહ્યો છે. આવા અનેક ગોડાઉનો માં વારંવાર આગ લાગવાની ઘટનાઓ બને છે, ત્યારે આ ગેરકાયદે વેસ્ટ ઠાલવતા ભંગાર ના ગોડાઉનોમાં હાલોલ પાલિકા ની ફાયર ની ટીમ દ્વારા આગ ઓલવવાની કામગીરી કરવામાં આવતી હોય છે. થોડા સમય પહેલા જ બાયપાસ રોડ ઉપર એક ભંગારના ગોડાઉનમાં આગ લાગતા 15 થી વધુ ગોડાઉનો નો ભંગાર આગ માં સ્વાહા થઈ ગયો હતો. આ ગેરકાયદેસર ઊભા થયેલા ગોડાઉનો ફરી એક વખત સ્ક્રેપ થી ભરાઈ ગયા છે. ક્યારે આ ભંગારના અને સ્ક્રેપના ગોડાઉનમાં હાલોલ ઔદ્યોગિક વસાહત નો હેઝાર્ડ વેસ્ટ નિકાલ કરવા માટે સળગાવી દેવામાં આવતો હોવાની શંકાઓ પણ સેવાઈ રહી છે. ત્યારે હાલોલ નગરપાલિકા અને જીપીસીબી દ્વારા આવા ગોડાઉનમાં સઘન તપાસ હાથ ધરવામાં આવે તે જરૂરી બન્યું છે.આજે રવિવારે વધુ એક ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બનતા હાલોલ ફાયર ફાઈટર ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ ઉપર નિયંત્રણ મેળવ્યું હતું. હાલોલ નગરપાલિકા દ્વારા આવી દુર્ઘટનાઓ સમયે ફાયર ફાઈટર ની ટીમને મોકલે છે પરંતુ વ્યવસાય વેરાનું સર્ટિફિકેટ આપીને ધંધો કરવાની છૂટ આપ્યા પછી આ ગોડાઉનમાં કેવા પ્રકારનો વેસ્ટ અને કેવા પ્રકારનું સ્ક્રેપ એકત્ર કરવામાં આવી રહ્યું છે.તે દિશામાં અને આવા ભંગારના અને સ્ક્રેપ ના ગોડાઉનમાં આવી દુર્ઘટના સમયે આગ ઉપર નિયંત્રણ મેળવવા કેવા પ્રકારની વ્યવસ્થા છે.તે અંગે કોઈ તપાસ કરવામાં આવતી ન હોવાથી આવા વાડાઓ માં બેફામ સ્ક્રેપ એકત્ર કરવામાં આવતો હોય છે.












