
તા.૧૪.૦૮.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર

Limkheda:લીમખેડામાં સાંસદ જશવંતસિંહ ભાભોરની આગેવાનીમાં યોજાઈ ભવ્ય તિરંગા યાત્રા; વરસાદી માહોલમાં પણ દેશભક્તિનો અનોખો ઉત્સાહ છવાયો
દેશભરમાં આઝાદીના પર્વની ઉજવણી નિમિત્તે ઉત્સાહનો માહોલ છે, ત્યારે લીમખેડા ખાતે સાંસદ જશવંતસિંહ ભાભોરની ગરિમામય આગેવાની હેઠળ એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. વરસાદી માહોલ હોવા છતાં પણ લોકોના દેશભક્તિના જોશમાં કોઈ કમી જોવા મળી ન હતી.આ ભવ્ય તિરંગા યાત્રા લીમખેડા આર્ટસ કોલેજથી પ્રારંભ થઈને બિરસા મુંડા ચોક સુધી યોજાઈ હતી. સમગ્ર માર્ગ દરમિયાન ગુંજી ઉઠેલા દેશભક્તિના ગીતો અને નારાઓથી આખો લીમખેડા પંથક દેશભક્તિના રંગે રંગાઈ ગયો હતો.આ રેલીમાં શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્થાનિક નગરજનો ખૂબ જ મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાયા હતા. આ સાથે જ કાયદો-વ્યવસ્થા જાળવતા પોલીસ જવાનો, હોમગાર્ડના જવાનો તેમજ તાલુકા પંથકના તમામ સરકારી અધિકારીઓ પણ આ રાષ્ટ્રપ્રેમના ઉત્સવમાં સહભાગી બન્યા હતા. વહીવટી તંત્રમાંથી પ્રાંત અધિકારી, મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી (TDO) સહિતના ઉચ્ચ અધિકારીઓએ હાજર રહીને યાત્રાને સફળ બનાવી હતી.




