HALVAD:પુત્રીના પ્રેમલગ્નનો ખાર રાખી મોરબીના વૃદ્ધ પર લાકડાના ધોકા વડે જીવલેણ હુમલો: હળવદ પોલીસ મથકે ફરિયાદ

HALVAD:પુત્રીના પ્રેમલગ્નનો ખાર રાખી મોરબીના વૃદ્ધ પર લાકડાના ધોકા વડે જીવલેણ હુમલો: હળવદ પોલીસ મથકે ફરિયાદ
હળવદ તાલુકાના ચુપણી ગામે દીકરીના પ્રેમલગ્નનો ખાર રાખીને મોરબીના એક વૃદ્ધ પર ગામના જ એક શખ્સે લાકડાના ધોકા વડે જીવલેણ હુમલો કર્યો હોવાની ચકચારી ઘટના સામે આવી છે. આ અંગે ભોગ બનનાર વૃદ્ધે હળવદ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ, મોરબીની સિદ્ધાર્થ સોસાયટીમાં રહેતા અને નિવૃત્ત જીવન જીવતા કેશવલાલ રામજીભાઈ ચાવડા (ઉં.વ. ૬૭) ના કાકાના દીકરા જયંતીભાઈની દીકરીએ ચુપણી ગામના પ્રદિપભાઈ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. આ લગ્નનો ખાર રાખીને ચુપણી ગામના જ રહેવાસી આરોપી ઉકાભાઇ દુદાભાઈ મકવાણાએ કેશવલાલ સાથે તકરાર કરી હતી.
આરોપી ઉકાભાઈએ પ્રેમલગ્ન બાબતે મનદુઃખ રાખી કેશવલાલને જાહેરમાં બિભત્સ ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. એટલું જ નહીં, આરોપીએ ઉશ્કેરાઈ જઈને પોતાની પાસે રહેલા લાકડાના ધોકા વડે કેશવલાલ પર હુમલો કરી દીધો હતો. આ હુમલામાં વૃદ્ધને જમણા પગે તેમજ વાંસાના ભાગે ગંભીર મૂઢ ઈજાઓ પહોંચી હતી.આ હિંસક હુમલા અંગે ભોગ બનનાર કેશવલાલ ચાવડાએ હળવદ પોલીસ મથકમાં આરોપી ઉકાભાઇ દુદાભાઈ મકવાણા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. હળવદ પોલીસે વૃદ્ધની ફરિયાદના આધારે ગુનો નોંધીને આરોપી સામે કાયદેસરની તપાસ હાથ ધરી છે.







