સાપુતારાના વિકાસ માટે રોજગાર મળવાની આશાએ નવાગામના લોકો વિસ્થાપિત થયા પરંતુ લોકોની આશા ઠગારી નીકળી…
પેટા: વૃક્ષોનાં વિનાશમાં સાપુતારાની ચમક ઝાંખી પડી ગઈ, ઉપરાંત ગુજરાતના ટુરિસ્ટ મહારાષ્ટ્ર તરફ વિકસી રહેલા સ્થળો તરફ વળી ગયા.....પેટા: ફક્ત મુંગેરી લાલ કે હસીન સપનેં જેવા ફેસ્ટિવલ્સ પાછળ તાયફા કરવાથી સાપુતારાનું ભલું નહીં થાય, બોટિંગ, રોપ-વે સહિતની મનોરંજન એક્ટિવિટી પણ શરૂ થવી જોઈએ, તો જ પ્રવાસીઓ સાપુતારામાં આવશે
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
સાપુતારા એ સુરતીઓ સહિત આસપાસના જિલ્લાના પ્રવાસીઓ માટે ફેવરિટ ડેસ્ટિનેશન છે. પણ આ વ્યાખ્યા હવે બદલાઈ રહી છે. વિકાસના નામે સાપુતારા સાથે કરાતી કનડગતથી સાપુતારા ધીરે ધીરે ભુલાઈ રહ્યું છે. સ્ટ્રીટલાઈટ, રસ્તા, ગટરો, સ્વછતા અને ડેવલોપમેન્ટ અધિકારીના અભાવે આજે સાપુતારાની હાલત ધણીધોરી વિનાની છે.પરંતુ કોઈ અવાજ સરકારના કાને પહોંચતો નથી. જેનો ફાયદો મહારાષ્ટ્રનું પ્રવાસન ધામ લઈ જશે એમાં કોઈ બેમત નથી.ડાંગનાં ખૂબસૂરત જંગલોને કારણે વર્ષો પહેલાં સાપુતારાનો વિકાસ કરવાનો ખ્યાલ આવ્યો હતો. અને એ માટે આજે જે લોકો નવાગામમાં વસ્યા છે એમણે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દીધું. રોજગાર મળશે તો બે પાંદડે થઈશું એવી આશાએ વડવાઓની જમીન છોડી. પરંતુ નવાગામના લોકો આજે એવી સ્થિતિમાં મુકાઈ ગયા છે કે રોજગાર પણ નથી મળતો. અહીંના લોકો કિસ્મતના ભરોસો દિવસો કાપી રહ્યા છે. સદીના મહાનાયકે જે સાપુતારાને ગુજરાત કી આંખો કા તારા કહ્યું છે એ હવે ગુજરાતની આંખોનો ખરતો તારો છે. નજીકમાં મહારાષ્ટ્રમાં પ્રવાસન ધામનો જોરદાર વિકાસ થવા માંડ્યો છે. જે લોકો લહેરીલાલા છે એને તો મહારાષ્ટ્રમાં મોજ પડી જાય.વધુમાં સાપુતારાને શાસકોએ સિમેન્ટ કોંક્રીટનું જંગલ બનાવી દીધું છે. વૃક્ષોના વિનાશમાં સાપુતારાની ચમક ઝાંખી પડી ગઈ છે. ઉપરાંત ગુજરાતના ટુરિસ્ટ મહારાષ્ટ્ર તરફ વિકસી રહેલાં સ્થળો તરફ વળી ગયા છે. ફક્ત મુંગેરી લાલ કે હસીન સપનેં જેવા ફેસ્ટિવલ્સ પાછળ તાયફા કરવાથી સાપુતારાનું ભલું નહીં થાય એવી સામાન્ય સમજ ભણેલાગણેલા અધિકારીને આવતી નથી એ ખૂબ જ દુખદ બાબત છે.વધુમાં સાપુતારામાં છેલ્લા થોડા માસથી મનોરંજન એક્ટિવિટી ઉપર બ્રેક લાગી ગઈ છે. જેને કારણે પ્રવાસીઓની સંખ્યા ઘટી રહી છે. લોકોના રોજગાર-ધંધા પડી ભાંગ્યા છે અને વરસાદને કારણે મજૂરીની રોજગારી પણ છીનવાઈ ગઈ. આ સંજોગોમાં દિવાળીમાં ચૂલો કઈ રીતે સળગશે. સામાન્ય રીતે શનિ અને રવિના દિવસોમાં જ રોજગારની આશા રહે છે. પરંતુ છેલ્લા ઘણા મહિનાથી સાપુતારામાં બોટિંગ, ઝીપ લાઇન, રોપ-વે સહિત અન્ય મનોરંજન એક્ટિવિટી બંધ થઈ ગઈ છે.હાલમાં ગુજરાત રાજ્યનું એકમાત્ર ગિરિમથક માઈબાપ વગરનું થઈ ગયું છે. રાજ્ય સરકારને જ સાપુતારામાં રસ રહ્યો ના હોય એવું લાગી રહ્યું છે. છેલ્લાં ઘણાં વર્ષોથી ચીફ ઓફિસરની ખાલી જગ્યા હોવાથી સાપુતારાની સિસ્ટમ ખાડે ગઈ છે. માંડ માંડ થોડા દિવસો અગાઉ એક કર્તવ્ય નિષ્ઠ અધિકારી સાપુતારાને મળ્યો હતો.સારી કામગીરી કરવાથી તેમની માત્ર ત્રણ મહિનામાં જ બદલી કરી દેવાઈ. સરકારની બેદરકારી તો જુઓ ભલે એ અધિકારીની બદલી કરાઈ, પણ કાયમી બીજો અધિકારી પણ ન મુકાયો. સ્ટ્રીટલાઈટ, રસ્તા, ગટરો, સ્વછતા અને ડેવલોપમેન્ટ અધિકારી વગર કેમનું શક્ય છે એ તો સમજી શકાય એવી બાબત છે. બોક્ષ:-(1)સાપુતારાની ચીફ ઓફિસરની ખાલી પડેલી જગ્યાથી સાપુતારાને નુકસાન.સાપુતારા સહિત નવાગામની પણ અનેક સમસ્યા છે. પણ સમસ્યાઓ સાંભળનારો અધિકારી જ નથી.આગળ દિવાળી આવી રહી છે. સાપુતારામાં અનેક એક્ટિવિટી બંધ છે. પરંતુ જે બાગ-બગીચા છે એની માવજત પણ નથી થતી. લેક ગાર્ડન, રોઝ ગાર્ડન, મિલેનિયમ બાગ, સ્ટેપ ગાર્ડન, ઇકો પોઇન્ટ, સનરાઈઝ પોઇન્ટ, સનસેટ પોઇન્ટ, મ્યુઝિયમ આ તમામ પોઇન્ટ્સને સારી રીતે વિકસાવાય તો સાપુતારાને ચાર ચાંદ લાગી જાય. પરંતુ સાપુતારાની ચીફ ઓફિસરની ખાલી પડેલી જગ્યાના અભાવે સાપુતારાનો વિકાસના બદલે વિનાશ થઈ રહ્યો છે.આ સ્થિતિમાં ગુજરાત સરકારે પણ સાપુતારાના સ્થાનિકો બાબતે વિચારવાનો સમય પાકી ગયો છે.બોક્ષ-(2)કાયમી ધોરણે ચીફ ઓફિસરની નિમણૂક કરો. પુંડલીકભાઈ ગાંગુર્ડે,સાપુતારા નવાગામના પોલીસ પટેલ પુંડલીકભાઈ ગાંગુર્ડે જણાવે છે કે, સાપુતારાની અસ્મિતા ટકાવી રાખવી હોય તો કાયમી ધોરણે ચીફ ઓફિસરની નિમણૂક કરો. જેથી સાપુતારાના નાનામાં નાના પ્રશ્નો હોય કે મોટામાં મોટા પ્રશ્નો તાત્કાલિક હલ થાય. પ્રવાસીઓ સહિત સ્થાનિકોની સમસ્યાનો તાત્કાલિક નિવેડો આવે. હાલમાં તો ચીફ ઓફિસરની ખાલી પડેલી જગ્યાના અભાવે સાપુતારા સહિત નવાગામના ઘણા પ્રશ્નો છે. પીવાના પાણી ની સમસ્યા, રસ્તા, સ્ટ્રીટ લાઈટ, જન્મ મરણ ના દાખલાઓ, પ્રોપર્ટી કાર્ડ, સહીત અનેક પ્રશ્નો છે જ્યાં સુધી કાયમી ચીફ ઓફિસર નિમણૂક નહીં થાય ત્યાં સુધી આવા પ્રશ્નો હલ કેવી રીતે થશે..