સુરેન્દ્રનગરમાં 7 કરોડના ખર્ચે બનેલો રિવરફ્રન્ટ બન્યો ‘એક્સિડન્ટ ઝોન’, લીસા રોડના કારણે મહિનામાં 20થી વધુ અકસ્માત

તા.17/08/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા જિલ્લા પંચાયતથી સાયન્સ કોલેજ સુધી અંદાજે રૂ. 7 કરોડના ખર્ચે બનાવવામાં આવેલો રિવરફ્રન્ટ હવે વાહન ચાલકો માટે ભયજનક ‘બ્લેક સ્પોટ’ સાબિત થઈ રહ્યો છે. કોન્ટ્રાક્ટર દ્વારા બનાવવામાં આવેલા અત્યંત લીસા રોડના કારણે ચોમાસાની ઋતુમાં અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે, જેને લઈને સ્થાનિકો અને વાહનચાલકોમાં તંત્ર સામે ભારે રોષ ભભૂકી ઊઠ્યો છે. તાજેતરમાં સાંજના સમયે પડેલા વરસાદ બાદ રિવરફ્રન્ટનો રોડ ભીનો અને લીલો થઈ ગયો હતો. દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલી એક મોંઘીદાટ લક્ઝરીયસ કારના ચાલકે બ્રેક મારતા કાર રોડ પર રેલાઈ હતી અને સીધી ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં કારને ભારે નુકસાન પહોંચ્યું હતું. સદ્નસીબે મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ અવારનવાર બનતા આવા બનાવોથી લોકોના જીવ તાળવે ચોંટ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, કોન્ટ્રાક્ટરની લોલમલોલ અને બેદરકારીના કારણે રિવરફ્રન્ટનો રોડ અત્યંત લીસો બનાવવામાં આવ્યો છે. સહેજ વરસાદ પડે કે પાણી ફરી વળે એટલે વાહનોની બ્રેક લાગતી નથી. છેલ્લા એક જ મહિનાની અંદર 20થી વધુ વાહનચાલકો અકસ્માતનો ભોગ બન્યા છે. જેમાં મોટાભાગની કાર અને વાહનો બ્રેક ન લાગવાને કારણે ડિવાઈડર પર અથડાયા હોવાના બનાવો બન્યા છે રૂ. 7 કરોડનો ધુમાડો કર્યા બાદ પણ ગુણવત્તા વગરની કામગીરી સામે આવતા લોકરોષ ચરમસીમાએ પહોંચ્યો છે. સ્થાનિકો અને વાહનચાલકોએ મહાનગરપાલિકા પાસે માગ કરી છે કે અકસ્માતો અટકાવવા માટે રિવરફ્રન્ટના આ લીસા રોડને તાત્કાલિક ધોરણે રી-સરફેસ કરી ‘રફ’ બનાવવામાં આવે. આ સાથે જ અતિ નબળી અને બેદરકાર કામગીરી કરનાર કોન્ટ્રાક્ટર સામે કડક કાનૂની પગલાં ભરવામાં આવે તેવી પણ અપીલ કરવામાં આવી છે.




