AHAVADANGGUJARAT

સાપુતારા ચીફ ઓફિસર ડૉ ચિંતન વૈષ્ણવની બદલી રદ કરવાનાં અપાયેલા અલ્ટીમેટમને હવે ગણતરીનાં 24 કલાક બાકી..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

પેટા:-ગિરિમથક સાપુતારાનાં ચીફ ઓફીસર ડૉ ચિંતન વૈષ્ણવની બદલી રદ કરવા માટે ડાંગ જિલ્લાનાં ભાજપી આગેવાનો મંગળવારે મુખ્યમંત્રીને રજુઆત કરવાનાં હોય ત્યારે ગ્રામજનોની માંગણી ફળશે કે પછી ફરી સાપુતારા ચક્કા જામ થશે તે સમય જ બતાવશે.પેટા:-ભાજપાને વરેલ સાપુતારાનાં નવાગામનાં ગ્રામજનોની માંગણીનો ઉકેલ આવશે કે પછી લોકસભાની ચૂંટણીનાં આચારસંહિતાનું કારણ બતાવી ઠાગાઠૈયા કરવામાં આવશે તે અંગે પણ મોટો પ્રશ્નાર્થ..

રાજ્યનાં એકમાત્ર ગિરિમથક સાપુતારાનાં નોટીફાઇડ એરીયા કચેરીમાં 10 વર્ષ બાદ કાયમી ચીફઓફીસર તરીકે ડૉ ચિંતન વૈષ્ણવની નિમણુક થઈ હતી.સાપુતારા ખાતે ચીફ ઓફીસર તરીકે ડો ચિંતન વૈષ્ણવની નિમણુક થતાની સાથે જ સાપુતારાનાં જોવાલાયક સ્થળોની રોનક વધી હતી.નિષ્ઠાવાન અને પ્રામાણિક છબી તથા કામ કરવાની વૃત્તિ ધરાવનાર ડૉ ચિંતન વૈષ્ણવે બે જ મહિનામાં સાપુતારાનાં તમામ જોવાલાયક સ્થળોની સ્વચ્છતા, જાહેર શોચાલયોની સ્વચ્છતા, સાપુતારા ઘાટમાર્ગને પ્લાસ્ટિકમુક્ત બનાવ્યુ હતુ.તેમજ સાપુતારાનાં તમામ કાયમી અને હંગામી કર્મચારીઓને પ્રથમ વખત નોકરીનાં કામગીરીમાં ડ્રેસ કોડ સાથે કામગીરી કરવાની કડક સૂચના સાથે અમલવારી હાથ ધરી હતી.સાપુતારાની બે જ મહિનામાં કાયા પલટ કરી પ્રવાસન સ્થળને આગવી ઓળખ અપાવનાર  ડો ચિંતન વૈષ્ણવની સરાહનીય કામગીરી ઉડીને સૌ કોઇના આંખે વળગી હતી.તેવામાં ગિરિમથક સાપુતારાની કાયાપલટ કરવાનું સ્વપ્ન જોનાર ચીફ ઓફીસર ડૉ ચિંતન વૈષ્ણવની રાજ્ય સરકાર દ્વારા બે મહિનાનાં ટૂંકાગાળામાં જ ભાવનગર ખાતે બદલી કરી દેતા પ્રવાસન સ્થળ ખાતે સોંપો પડી જવા પામ્યો હતો. સાપુતારાનાં ચીફ ઓફીસર ડો ચિંતન વૈષ્ણવની ટૂંકાગાળામાં જ ભાવનગર ખાતે બદલી કરી દેવાતા સાપુતારા નવાગામનાં લોકો રઘવાયા હતા.સાથે પ્રવાસીઓ સહિત ગ્રામજનોએ સરકાર પર ફીટકાર વરસાવ્યો હતો.સાથે તુરંત જ સાપુતારા નવાગામનાં ગ્રામજનોએ ડૉ ચિંતન વૈષ્ણવની બદલી રદ કરવા માટે ડાંગ કલેકટરને આવેદનપત્ર પણ પાઠવ્યુ હતુ.અને જો આ બદલી રદ ન કરવામાં આવે તો સાપુતારા સજજડ બંધ,રસ્તા રોકો આંદોલન સહિત લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી.છતાંય રાજ્ય સરકાર કે ડાંગ વહીવટી તંત્રનાં પેટનું પાણી ન હાલતા સાપુતારા નવાગામનાં ગ્રામજનોએ પ્રથમ તબક્કામાં સતત બે દિવસ સુધી સાપુતારા સજ્જડ બંધ પાળતા હડકંપ મચી ગયો હતો.સાપુતારા સતત બે દિવસ સુધી સજ્જડ બંધ રહેતા અહી પ્રવાસીઓની જ્ગ્યાએ કાગડા ઉડતા જોવાલાયક સ્થળો સુમસામ ભાસી ઉઠ્યા હતા.તેમજ સાપુતારા નવાગામ વર્ષોથી ભાજપાને વરેલુ ગામ હોવા છતાંય પ્રથમ દિવસે ભાજપાનાં કોઈ પણ આગેવાનો ન ફરકતા લોકોએ ફીટકાર વરસાવ્યો હતો.જે બાદ બીજા દિવસે ડાંગ જિલ્લાનાં ધારાસભ્ય વિજયભાઈ પટેલ,ડાંગ જિલ્લા પંચાયતનાં પ્રમુખ નિર્મળાબેન ગાઈન,ડાંગ ભાજપા પ્રમુખ કિશોરભાઈ ગાવીત અને ડાંગ જિલ્લા ભાજપા મહામંત્રી હરિરામભાઈ સાંવત સહિતનાં આગેવાનો સાપુતારા નવાગામ ખાતે દોડી ગયા હતા.અહી ગુજરાત વિધાનસભાનાં નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલે ચીફ ઓફીસર ડૉ ચિંતન વૈષ્ણવની બદલી રદ કરવા અંગે ગ્રામજનોને હૈયાધરપત આપી હતી.અને 12મી માર્ચનાં રોજ આ મુદ્દે રાજયનાં મુખ્યમંત્રીને રૂબરૂમાં મળી રજુઆત કરવા જણાવતા થોડાક દિવસ માટે આંદોલન ટળી જવા પામ્યુ હતુ.ત્યારે સાપુતારાનાં તત્કાલીન ચીફ ઓફીસરનાં બદલી રદ કરવાનાં મુદાને ગણતરીના 24 કલાક જ બાકી રહ્યા છે.ત્યારે આ 24 કલાક ક્યારે પુરા થશે તેની ગ્રામજનો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.તેવામાં 12મી માર્ચના રોજ ડાંગ જિલ્લાનું ભાજપા સંગઠન મુખ્યમંત્રીને રજુઆત કરી સાપુતારા નવાગામનાં ગ્રામજનોને યોગ્ય ઉકેલ આપશે કે પછી સાપુતારા ફરી ચક્કા જામ થશે તે રજુઆતનાં નિર્ણય બાદ જ ખબર પડશે.ડાંગ જિલ્લામાં ભાજપાને વરેલ સાપુતારા નવાગામનાં ગ્રામજનોની 12મી માર્ચના રોજ માંગણીનો ઉકેલ થશે કે પછી લોકસભાની ચૂંટણીનાં આચાર સંહિતાનું કારણ ધરી ઠાગા ઠૈયા કરવામાં આવશે તે અંગેનો યક્ષ પ્રશ્ન પણ લોકોને સતાવી રહ્યો છે.બોક્ષ:-(1)રામચંદ્રભાઈ હડશ-સાપુતારા નવાગામનાં આગેવાન આ બાબતે સાપુતારા નવાગામનાં આગેવાન રામચંદ્રભાઈ હડશે જણાવ્યુ હતુ કે અમારી માંગણી અમોએ અમારા લોકલાડીલા ધારાસભ્ય વિજયભાઈ પટેલ સમક્ષ મૂકી છે.ધારાસભ્ય વિજયભાઈ પટેલ મંગળવારે સાપુતારા ચીફ ઓફીસરની બદલી રદ કરવાનાં વિષય પર મુખ્યમંત્રીને રજુઆત કરવાનાં છે.અમો નિર્ણય શુ આવે છે જેની રાહ જોઈ બેઠા છે.અમોને સ્થાનિક ભાજપાનાં નેતૃત્વ પર ભરોસો છે.છતાંય સરકાર અમારી લાગણીને વાચા આપવામાં નિષ્ફળ જશે તો આવનાર સમયમાં અમો ફરી સાપુતારા સજ્જડ બંધ,રસ્તા રોકો આંદોલન સહિત લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરીશુ જે જવાબદારી સરકાર અને ડાંગ વહીવટી તંત્રની રહેશે..

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!