સમીર પટેલ, ભરૂચ
સમગ્ર બનાવ અંગે સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઇવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી હતી. જેમાં 3 લોકોના મોત થયા હોવાના અહેવાલ સાંપડ્યા હતા. ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના શેરા ગામ નજીકથી પૂરઝડપે પસાર થઈ રહેલ કાર ધડાકાભેર વૃક્ષ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. બનાવમાં કારમાં સવાર બે લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. જ્યારે અન્ય એક વ્યક્તિને ઈજા પહોંચતા તેને સારવાર અર્થે ખસેડાયો હતો. જોકે સારવાર દરમિયાન તેનું પણ મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું હતુ. વધુ વિગતે જોઈએ તો ગુજરાતના ભાવનગરના 3 યુવાનો કારમાં વહેલી સવારે સુરત જઈ રહ્યા હતા. તે દરમિયાન અકસ્માતની આ ઘટના બની હતી. બનાવની જાણ થતાની સાથે જ હાંસોટ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. વહેલી સવારના સમયે કારચાલકને ઝોકું આવી જતા અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જોકે બનાવની વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે. કારમાં સવાર 3ના મોત નિપજ્યા છે અને આ ત્રણેય યુવાનો 22-25 વર્ષની ઉંમરના હોવાનું જાણવા મળી રહ્યું છે. અકસ્માતની જાણ થતાં જ મૃતકોનો પરિવાર ભાવનગરથી ભરૂચ આવવા રવાના થયો હતો. 3 પૈકી 1 યુવાનની સગાઈ થઈ હોવાનું પણ જાણવા મળ્યું છે.