આણંદ જિલ્લામાં મુશળધાર વરસાદ ૧૨૭ જેટલા લોકોનું સુરક્ષિત સ્થળે કરાયું સ્થળાંતર*

આણંદ જિલ્લામાં મુશળધાર વરસાદ ૧૨૭ જેટલા લોકોનું સુરક્ષિત સ્થળે કરાયું સ્થળાંતર*
તાહિર મેમણ – આણંદ – 31+07/2026 – આણંદ – આણંદ જિલ્લામાં રેડ એલર્ટની આગાહી વચ્ચે સવારથી જ ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. અતિભારે વરસાદી પરિસ્થિતિને ધ્યાને લઈ જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણપણે સતર્ક થઈ ગયું છે. જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈ જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી જિલ્લા ડીઝાસ્ટર કંટ્રોલ રૂમ ખાતે ઉપસ્થિત રહી સમગ્ર પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યાં છે. કલેક્ટરશ્રીએ જિલ્લાની પ્રવર્તમાન પરિસ્થિતિ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, જિલ્લાના તમામ વિસ્તારોમાં તંત્ર દ્વારા સતત પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને નાગરિકોની સુરક્ષા માટે તમામ જરૂરી આગોતરા પગલાં લેવામાં આવ્યા છે.
જિલ્લામાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે અત્યાર સુધીમાં કુલ ૧૨૭ જેટલા લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. જેમાં બોરસદના વન તળાવડી વિસ્તારમાંથી ૭ લોકો, વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ડબકા ગામમાંથી આંકલાવ ખાતે આવેલા ૪૨ લોકો, ખંભાત તાલુકાના આખોલ ગામના ૪૦ લોકો, સોજિત્રામાંથી ૧૮ લોકો તેમજ પેટલાદ હાઉસિંગ બોર્ડ વિસ્તારમાંથી ૨૦ લોકોનો સમાવેશ થાય છે. તંત્ર દ્વારા સ્થળાંતરિત કરાયેલા લોકો માટે રહેવાની અને જમવાની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે.
કલેક્ટરશ્રીએ જિલ્લાના તમામ નાગરિકોને અપીલ કરી છે કે વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને બિનજરૂરી પ્રવાસ કે મુસાફરી કરવાનું અવશ્ય ટાળવું. આ ઉપરાંત નીચાણવાળા વિસ્તારમાં રહેતા પશુપાલકોને પોતાના પશુધનને તાત્કાલિક ઊંચાણવાળા અને સુરક્ષિત સ્થળે ખસેડવા ખાસ વિનંતી કરવામાં આવી છે. કોઈપણ આપાતકાલીન સ્થિતિ અથવા મુશ્કેલીના સમયે નાગરિકોને તાત્કાલિક જિલ્લા કંટ્રોલ રૂમ અથવા તાલુકા કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા જણાવાયું છે.





