ગુજરાતમાં છૂટાછવાયા માવઠાની આગાહી, 24 કલાકમાં 5 જિલ્લામાં કમોસમી વરસાદ થયો

હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગત એક અઠવાડિયાથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. જેથી છેલ્લા 24 કલાકમાં રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વરસાદ થઈ રહ્યો છે. બુધવારે સાબરકાંઠા, ડાંગ, વલસાડ, દાહોદ અને બોટાદ સહિતના 5 જિલ્લામાં વરસાદ નોંધાયો હતો. આજે પણ ગુજરાતમાં છૂટાછવાયા હળવા વરસાદનું યલો ઍલર્ટ જારી કરાયું છે. બીજી તરફ હાલ ખેડૂતો ટનબંધ કૃષિ જણસ વેચવા માટે યાર્ડમાં લાવતા હોય અને માવઠાંના માહોલના પગલે આ કૃષિપેદાશો ઢાંકીને લાવવા,રાખવા સૂચના જાહેર કરાઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ બુધવારે દાહોદ તાલુકામાં 0.75 ઇંચ, ઝાલોદમાં 0.71 ઇંચ, ડાંગ-આહવા તાલુકામાં 0.12 ઇંચ અને વધઇમાં 0.28 ઇંચ, સુબીરમાં 0.4 ઇંચ, બોટાદના ગઢડા તાલુકામાં 0.16 ઇંચ, રાણપુર તાલુકામાં 0.4 ઇંચ વરસાદ નોંધાયો હતો.
સૌરાષ્ટ્રમાં જેમાં મોટાભાગે વાદળો, ભેજ, ઠંડક હોય તેવો વાતાવરણનો નીચા દબાણનો વિસ્તાર એટલે કે ટ્રોફની સિસ્ટમ ગઈકાલે પ્રબળ હતી તે આજે મંદ પડી છે પરંતુ, તે સાથે ગુજરાત ઉપર ઉપરી હવાની ચક્રાકાર ગતિ સર્જાઈ છે. હવામાન વિભાગે આજે રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, ભરુચ, સુરત, નવસારી, વલસાડ વડોદરા સહિત વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળે હળવા ઝાપટાં ગાજવીજ સાથે વરસવાની આગાહી કરવામાં આવી છે.
જો કે, વલસાડ પંથકમાં એક ઇંચ વરસાદને બાદ કરતાં સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદનો એકંદરે વિરામ રહ્યો હતો અને તેના પગલે તાપમાનમાં વધારો થયો છે. રાજકોટ 40.6, સુરેન્દ્રનગર 40.8, કંડલા 40 સે. સાથે એકાદ સપ્તાહ બાદ ફરી પારો 40 સે.ને પાર થયો છે. મૌસમ વિભાગ અનુસાર આગામી ચાર દિવસમાં આ તાપમાનમાં 4 સે. સુધી વધારો થવાની શક્યતા છે.




