દાહોદ જીલ્લામાં પુરવઠા વિભાગના 8 ડેટા એન્ટ્રી ઓપરેટરોની તાત્કાલિક અસરથી બદલી

તા.૦૫.૦૮.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ જીલ્લામાં પુરવઠા વિભાગના 8 ડેટા એન્ટ્રી ઓપરેટરોની તાત્કાલિક અસરથી બદલી
CBDC કામગીરીમાં ઉદાસીનતા દાખવનાર ડેટા એન્ટ્રી ઓપરેટરો સામે જીલ્લા પુરવઠા અધિકારી દ્વારા લાલ આંખ કરવામાં આવી છે, જેના ભાગરૂપે આઠ ઓપરેટરોની અન્ય સ્થળે બદલી કરાઈ છે.દાહોદ જીલ્લામાં નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ એટલે કે NFSA અંતર્ગત અને વિવિધ મામલતદાર કચેરીઓની પુરવઠા શાખામાં ફરજ બજાવતા આઉટસોર્સ તથા ડેટા એન્ટ્રી ઓપરેટરોની કામગીરીને લઈને તંત્ર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ગાંધીનગર ખાતેના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ દ્વારા જારી કરાયેલા પરિપત્ર અને CBDC આધારિત ઓનબોર્ડિંગની એસઓપી અન્વયે આ કાર્યવાહી કરવામાં આવી છે.સરકાર દ્વારા નિર્ધારિત CBDC ની કામગીરી અને ઓનબોર્ડિંગ પ્રક્રિયામાં અત્રેની કચેરી તેમજ તાલુકા કક્ષાએ ફરજ બજાવતા કેટલાક આઉટસોર્સ ઓપરેટરો દ્વારા અપેક્ષિત કામગીરીમાં ઉદાસીનતા દાખવવામાં આવતી હોવાનું ધ્યાને આવ્યું હતું. આગામી સમયમાં CBDC પ્રોજેક્ટના સુચારુ અને અસરકારક અમલીકરણને સુનિશ્ચિત કરવા તેમજ વહીવટી હિતને ધ્યાનમાં રાખીને આ ડેટા એન્ટ્રી ઓપરેટરોની બદલી કરવાની આવશ્યકતા ઊભી થઈ હતી.જીલ્લા પુરવઠા અધિકારી દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર હાર્દિક બારિયાને જિલ્લા પુરવઠા અધિકારીની કચેરી દાહોદથી બદલી કરીને મામલતદાર કચેરી દાહોદ મુકવામાં આવ્યા છે. જ્યારે ધર્મેશ ગાળીયાવાળાને મામલતદાર કચેરી દાહોદથી જીલ્લા પુરવઠા અધિકારીની કચેરી દાહોદ ખાતે અને બી.એસ. વસૈયાને જિલ્લા પુરવઠા અધિકારી કચેરી દાહોદથી મામલતદાર કચેરી લીમડી ખાતે બદલવામાં આવ્યા છે.આ ઉપરાંત અન્ય ઓપરેટરોમાં શશીકાંત કટારાને ફતેપુરાથી સુખસર, વિનોદભાઈ પ્રજાપતિને સિંગવડથી સંજેલી, વિનેશ બારિયાને સંજેલીથી સિંગવડ, ચંદ્રગુપ્ત રાઠોડને ધાનપુરથી લીમખેડા અને પ્રજ્ઞેશ ભગોરાને લીમખેડાથી ધાનપુર મામલતદાર કચેરી ખાતે બદલી આપવામાં આવી છે. બદલી પામેલા તમામ ઓપરેટરોએ પોતાની વર્તમાન ફરજના સ્થળેથી તાત્કાલિક મુક્ત થઈને કોઈપણ જાતના વિલંબ વિના નવા નિયત થયેલા સ્થળે હાજર થઈ જવા માટે આદેશ આપવામા આવ્યો છે. જીલ્લા પુરવઠા અધિકારી દ્વારા લેવાયેલા આ કડક પગલાના કારણે પુરવઠા શાખાની કામગીરીમાં વધુ પારદર્શિતા અને ગતિશીલતા આવશે.



