ટ્રમ્પના ઈરાન અંગેના કડક નિવેદનથી ભારતીય શેરબજારમાં ભૂકંપ આવ્યો, રોકાણકારોના કરોડો રૂપિયા ડૂબ્યા

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ઈરાન અંગેના એક કડક નિવેદન બાદ ભારતીય શેરબજારમાં ભારે હોબાળો મચી ગયો છે. બુધવારે કારોબારના અંતિમ કલાકમાં બજારમાં જોરદાર કડાકો બોલાયો હતો, જેના કારણે રોકાણકારોએ એક જ દિવસમાં કરોડો રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે. ટ્રમ્પના આ વલણથી મિડલ ઈસ્ટમાં ફરી યુદ્ધ ભડકવાની આશંકા વધી ગઈ છે, જેની સીધી અસર વૈશ્વિક અર્થતંત્ર અને બજાર પર જોવા મળી રહી છે.
બુધવારે ભારતીય શેરબજાર ભારે ઘટાડા સાથે બંધ રહ્યું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સૂચકાંક સેન્સેક્સ 1677 પોઈન્ટ (2.15 ટકા) ઘટીને 76,503 પર બંધ થયો હતો. તેવી જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)નો સૂચકાંક નિફ્ટી પણ 516 પોઈન્ટના મોટા ઘટાડા સાથે 23,882 પર આવી ગયો હતો. રિલાયન્સ, HDFC Bank, ઈન્ડિગો અને TCS જેવી દિગ્ગજ કંપનીઓના શેરમાં ભારે વેચવાલી જોવા મળી હતી.
બજારમાં આવેલા આ સુનામી જેવા કડાકાને કારણે રોકાણકારોને મોટું આર્થિક નુકસાન થયું છે. મંગળવારે BSE પર લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપિટલાઈઝેશન 480.20 લાખ કરોડ રૂપિયા હતું, જે બુધવારે ઘટીને 471.13 લાખ કરોડ રૂપિયા પર આવી ગયું હતું. આમ, માત્ર એક જ ઝટકામાં રોકાણકારોની સંપત્તિમાંથી આશરે 9 લાખ કરોડ રૂપિયા ધોવાઈ ગયા છે.
અગાઉ એવી ચર્ચાઓ હતી કે, અમેરિકા અને ઈરાન વચ્ચે ટૂંક સમયમાં શાંતિ વાર્તા શરૂ થશે, પરંતુ હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાની હુમલા પર અમેરિકાએ પલટવાર કર્યો હતો. ત્યારપછી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (US President Donald Trump) સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે, ‘ઈરાન સાથે શાંતિ વાર્તા પર વાતચીત કરવી એ માત્ર સમયનો બગાડ છે. હું ઈરાન સાથે હવે કોઈ નવી ડીલ કરવા નથી માંગતો અને તેની સાથે કરારનો સમય પૂરો થઈ ચૂક્યો છે.’ ટ્રમ્પે ઈરાન ઉપરાંત નાટો, ગ્રીનલેન્ડ અને સ્પેન પર પણ આકરી ટિપ્પણીઓ કરી છે, જેનાથી બજારનો સેન્ટિમેન્ટ બગડ્યો છે.
ટ્રમ્પના આ કડક વલણની સૌથી પહેલી અને સીધી અસર કાચા તેલ એટલે કે ક્રૂડ ઓઇલની કિંમતો પર પડી છે. બ્રેન્ટ ક્રૂડની કિંમત એક જ ઝટકામાં 6.75 ટકા ઉછળીને 79 ડોલર પર પહોંચી ગઈ છે. તેલ મોંઘું થવાના કારણે બજારમાં મોંઘવારી વધવાનો ભય સતાવી રહ્યો છે, જેને કારણે શેરબજારમાં પણ ફાફડાટ ફેલાયો છે.
બજારમાં ડરનો માપદંડ ગણાતો સૂચકાંક ઈન્ડિયા વીઆઈએક્સ (India VIX) અચાનક 15 ના સ્તરને પાર કરી ગયો છે. આ આંકડો દર્શાવે છે કે રોકાણકારોમાં જોખમ અને અનિશ્ચિતતા ખૂબ વધી ગઈ છે. આ આંતરરાષ્ટ્રીય તણાવની વચ્ચે ભારતીય રૂપિયાના મૂલ્યમાં પણ ઘટાડો નોંધાયો છે.





