ARAVALLIGUJARATMEGHRAJMODASA

રેલ્લાવાડામાં અઠવાડિયામાં બે ચોરીના પ્રયાસ, ઇસરી પોલીસની નાઇટ પેટ્રોલિંગ અને ચેકપોસ્ટની કામગીરી સામે સવાલો..!!

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

રેલ્લાવાડામાં અઠવાડિયામાં બે ચોરીના પ્રયાસ, ઇસરી પોલીસની નાઇટ પેટ્રોલિંગ અને ચેકપોસ્ટની કામગીરી સામે સવાલો..!!

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના રાજસ્થાન સરહદને અડીને આવેલા રેલ્લાવાડા ગામમાં છેલ્લા એક અઠવાડિયામાં ચોરીના બે બનાવો સામે આવતા સ્થાનિકોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. એક ઘટનામાં ચાંદીની ચોરી થઈ હતી, જ્યારે બીજી ઘટનામાં મોબાઇલ એસેસરીઝની દુકાનમાં તોડફોડ કરી ચોરી કરવાનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો

દુકાનદારના જણાવ્યા મુજબ રેલ્લાવાડા રામદેવ આશ્રમ સામે આવેલી તેમની મોબાઇલ એસેસરીઝની દુકાનમાં રાત્રિના સમયે અજાણ્યા શખ્સોએ પાછળના ભાગનું પતરું તોડવાનો પ્રયાસ કર્યો હતો. સ્થળ પર લોખંડનો સરિયો પણ તૂટેલી હાલતમાં જોવા મળ્યો હતો. એટલું જ નહીં, દુકાનના મુખ્ય દરવાજાનું તાળું તોડવાનો પણ પ્રયાસ કરાયો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

વહેલી સવારે દુકાન ખોલવા પહોંચેલા દુકાનદારે તોડફોડ થયેલી હાલત જોઈ તાત્કાલિક ઇસરી પોલીસ સ્ટેશનને જાણ કરી હતી. ચોરીના ઇરાદે અજાણ્યા શખ્સોએ આ કૃત્ય કર્યું હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

એક જ અઠવાડિયામાં રેલ્લાવાડામાં ચોરીના બે બનાવો સામે આવતા ઇસરી પોલીસની નાઇટ પેટ્રોલિંગ તેમજ ચેકપોસ્ટની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. નોંધનીય છે કે જ્યાં ઘટના બની તે સ્થળ રેલ્લાવાડા ચેકપોસ્ટથી અંદાજે 200 મીટરના અંતરે આવેલું છે.

સ્થાનિકોમાં એવી પણ ચર્ચા છે કે કેટલીક ચેકપોસ્ટો લાંબા સમયથી માત્ર હોમગાર્ડના ભરોસે ચાલી રહી છે. ચેકપોસ્ટ પર જવાબદાર પોલીસ કર્મચારીની નિયમિત હાજર રહે છે કે નહીં, તેમજ પૂરતી દેખરેખ રાખવામાં આવે છે કે નહીં, તે મુદ્દે પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે.

રેલ્લાવાડામાં સતત વધી રહેલા ચોરીના બનાવોને પગલે સ્થાનિકોએ રાત્રિ પેટ્રોલિંગ વધુ સઘન બનાવવાની અને ચેકપોસ્ટ પર અસરકારક પોલીસ બંદોબસ્ત ગોઠવવાની માંગ કરી છે. હવે પોલીસ આ બનાવોની તપાસમાં શું કાર્યવાહી કરે છે અને આરોપીઓ સુધી કેટલી ઝડપથી પહોંચે છે તેના પર સૌની નજર છે.

Back to top button
error: Content is protected !!