Jetpur: “રાષ્ટ્રીય વયોશ્રી” યોજના અંતર્ગત જેતપુર ખાતે સાધન સહાય એસેસમેન્ટ કેમ્પ યોજાયો
તા.૬/૬/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
વહીવટીતંત્ર દ્વારા વરિષ્ઠ નાગરિકોને નિરાધાર વૃદ્ધ સહાય યોજનાનો લાભ, આરોગ્ય તપાસ વગેરે સેવાઓ સ્થળ પર અપાઇ
Rajkot, Jetpur: પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીના દુરંદેશી નિર્ણય થકી અમલમાં મુકાયેલી “રાષ્ટ્રીય વયોશ્રી” યોજના હેઠળ સમગ્ર દેશના લાખો વૃદ્ધોને વિવિધ સહાયક સાધનો વિનામૂલ્યે પ્રાપ્ત થઈ રહ્યા છે. રાજકોટ ખાતે કલેક્ટરશ્રી પ્રભવ જોશી દ્વારા જિલ્લામાં એક પણ વૃદ્ધ લાભાર્થી આ યોજનાના લાભથી વંચિત ન રહી જાય તે માટે વિશેષ ઝુંબેશ સ્વરૂપે જિલ્લાના વિવિધ તાલુકાઓ ખાતે વયોશ્રી યોજના અંતર્ગત સાધન સહાય કેમ્પ યોજવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે જેતપુર શહેરની તાલુકા શાળા-૧ ખાતે વરિષ્ઠ નાગરિકો માટે વિનામૂલ્યે સાધન સહાય કેમ્પ યોજાયો હતો.
આ કેમ્પમાં જેતપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારના વરિષ્ઠ નાગરિકોને વિવિધ સહાયક સાધનો જેવા કે ચાલવા માટેની લાકડી, ઘોડી, વ્હીલચેર, શ્રવણયંત્ર અને દાંતના ચોકઠા વગેરે સહાય આપવા માટેના એસેસમેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કેમ્પ ખાતેથી વરિષ્ઠ નાગરિકોને અન્ય સેવાઓ પણ પૂરી પાડવામાં આવી હતી જેમાં આવક અને ઉંમરના દાખલા કાઢી આપવા, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને કેન્સરની તપાસ, આયુષ્માન કાર્ડ બનાવી આપવા, આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ સંબંધિત સેવાઓ, નિરાધાર વૃદ્ધ સહાય યોજનાના ફોર્મ ભરી આપવામા ઉપરાંત સ્થળ પર જ અનેકને સહાય મંજૂર પણ કરવામાં આવી હતી.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કેમ્પમાં એસ.ટી. વિભાગ અને બેંકો દ્વારા વરિષ્ઠ નાગરિકો માટેની યોજનાઓની માહિતી આપવામાં આવી હતી તથા ટી.બી. અને મેલેરિયા જેવા રોગો અંગે જાગૃતિ ફેલાવતી પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ તકે ગોંડલના નાયબ કલેકટરશ્રી રાહુલ ગમારા, મામલતદારશ્રી એમ.એસ.ભેસાણીયા, તાલુકા વિકાસ અધિકારીશ્રી, આરોગ્ય વિભાગ, સમાજ સુરક્ષા વિભાગ અને અન્ય સ્થાનિક અધિકારીઓ અને કર્મચારીઓ સહિત બહોળી સંખ્યામાં વરિષ્ઠ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા