GUJARATKUTCHNAKHATRANA

“વ્હીલ્સ ફોર એજ્યુકેશન” મિશન અંતર્ગત મુસાફિર વિકાસની સાયકલ યાત્રા નિરોણા પહોંચી.

ગ્રામ્ય શિક્ષણ, સંસ્કૃતિ અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિનો સંદેશ.એસ.એસ.પી.એ હાઇસ્કૂલના વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ સહ પ્રશ્નોતરી યોજાઈ

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ.

નખત્રાણા ; તા. ૦૬ ફેબ્રુઆરી : મુંબઈના સિવિલ ઇન્જિનિયર મુસાફિર વિકાસે ગ્રામ્ય કક્ષાએ શિક્ષણને પ્રોત્સાહન આપવાના તથા ગામડાના દરેક બાળક પોતાની ક્ષમતા મુજબ પોતાના સપનાઓ સાકાર કરી શકે તે હેતુસર “વ્હીલ્સ ફોર એજ્યુકેશન” મિશનની શરૂઆત કરી છે. આ મિશન અંતર્ગત તેમણે ૨૫ ઑક્ટોબર, ૨૦૨૫થી ભારતભરમાં સાયકલ યાત્રાનો આરંભ કર્યો હતો.મુંબઈથી સમગ્ર ગુજરાતમાં વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં ફરતા ફરતા તેઓ કચ્છના નિરોણા ગામે પહોંચ્યા હતા. અંદાજે ૪,૪૦૦ કિલોમીટરની આ સાયકલ યાત્રા તેમણે ત્રણ મહિનામાં સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. મુસાફિર વિકાસનું લક્ષ્ય આગામી ત્રણ વર્ષમાં સમગ્ર ભારતની લગભગ ૪૦,૦૦૦ કિલોમીટરની સાયકલ યાત્રા પૂર્ણ કરવાનો છે.આ યાત્રા દરમિયાન તેઓ માત્ર ગ્રામ્ય શિક્ષણને પ્રોત્સાહન આપવાનું જ નહીં પરંતુ ભારતીય સંસ્કૃતિ, ગ્રામ્ય જીવનશૈલી, પુરાતન સ્મારકો, વેશભૂષા, ભાષાઓ, લોકકલા તથા તહેવારોને નજીકથી સમજવાનો અને તેનો સંદેશ સમાજ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.નિરોણાની સારસ્વતમ્ સંચાલિત પી.એ. હાઇસ્કૂલ મધ્યે તેમણે વિદ્યાર્થીઓ સાથે આત્મીય સંવાદ સાધ્યો હતો. વાર્તાલાપ અને પ્રશ્નોતરીના માધ્યમથી વિદ્યાર્થીઓને પોતાની અંદર રહેલી સુસુપ્ત શક્તિઓ ઓળખવા, આત્મવિશ્વાસ વિકસાવવા અને જીવનમાં સતત આગળ વધવા માટે પ્રેરણા આપી હતી. સાથે જ સાયકલ યાત્રા ઇકો-ફ્રેન્ડલી હોવા ઉપરાંત પર્યાવરણ સંરક્ષણ અને સ્વાસ્થ્ય માટે અત્યંત લાભદાયી છે એવો સંદેશ તેમણે પોતાના આચરણ દ્વારા પાઠવ્યો હતો.આ પ્રસંગે શાળાના વરિષ્ઠ શિક્ષક અલ્પેશભાઈ જાની તેમજ સમગ્ર શાળા પરિવાર દ્વારા સમગ્ર ભારત પ્રવાસે નીકળેલા મુસાફિર વિકાસજીની આ પ્રશંસનીય પહેલને બિરદાવવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન તથા પ્રેરણા આપવા બદલ તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Back to top button
error: Content is protected !!