કર્મચારીએ જ નાણાંની ચોરી કરી:ભરૂચમાં બેગ સ્નેચિંગની ખોટી ફરિયાદ નોંધાવનાર કર્મચારી 84 હજારની ચોરી સાથે ઝડપાયો


સમીર પટેલ, ભરૂચ
ભરૂચમાં બેગ સ્નેચિંગની ઘટનામાં પોલીસે મહત્વની સફળતા મેળવી છે. આ કેસમાં એક કર્મચારીએ જ પોતાના ઓફિસના નાણાંની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. સી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલા કેસમાં ફરિયાદી સરફરાજ મન્સુરીના કર્મચારી અબરાર કલમવાળાએ બેગ સ્નેચિંગની ખોટી ફરિયાદ નોંધાવી હતી. પોલીસે જ્યારે આસપાસના CCTV ફૂટેજ ચેક કર્યા ત્યારે અબરારની વાતને સમર્થન આપતી કોઈ વિગતો મળી ન હતી.
પોલીસની કડક પૂછપરછમાં અબરારે કબૂલ્યું કે તેના માથે વધારે દેવું હોવાથી અને પૈસાની સખત જરૂરિયાત હોવાથી તેણે આ કૃત્ય કર્યું હતું. તેણે દિવસ દરમિયાન કલેક્શન કરેલા ઓફિસના નાણાં પોતાની મોટરસાઈકલની સીટ નીચે છુપાવ્યા હતા અને ખાલી બેગ રસ્તામાં ફેંકી દીધી હતી. ત્યારબાદ તેણે બે અજાણ્યા શખ્સો બાઈક પર આવીને બેગ છીનવી ગયા હોવાની ખોટી વાર્તા ઘડી કાઢી હતી.
પોલીસે આરોપીની મોટરસાઈકલની તપાસ કરતા સીટ નીચેથી રૂ. 84,500 રોકડા મળી આવ્યા હતા. આ ઉપરાંત રસ્તામાં ફેંકેલી બેગ પણ મળી આવી હતી. પોલીસે મોટરસાઈકલ, મોબાઈલ સહિત કુલ રૂ. 1,19,500નો મુદ્દામાલ કબજે કર્યો છે અને આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.



