દુષ્કર્મ કેસના પાંચેય દોષિતોને અંતિમ શ્વાસ સુધી આજીવન કેદ

રાજ્યભરમાં ચકચાર જગાવનારા વડોદરાના ભાયલીના સામૂહિક દુષ્કર્મ કેસમાં તમામ પાંચ દોષિતોને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. અગાઉ તમામ 5 દોષિતોને કોર્ટ દોષિત ઠેરવ્યા હતા. જોકે તેમને કેટલી સજા કરવી તે અંગે 25 ઓગસ્ટે કોર્ટમાં બંને પક્ષની આખરી દલીલો સાંભળવામાં આવી હતી. હવે આજે તેમની સજા પર ચુકાદો આપી દેવામાં આવ્યો છે. સામૂહિક દુષ્કર્મના કેસમાં એક સાથે પાંચ આરોપીઓને અંતિમ શ્વાસ સુધીની આજીવન કેદની સજા થઈ હોય તેવો આ વડોદરાનો પહેલો બનાવ છે.
આ સાથે કોર્ટે પીડિતાને 10 લાખનું વળતર ચૂકવવા માટે પણ આદેશ કર્યો હતો. કોર્ટે કહ્યું કે સ્ત્રી સમાજનો મહત્ત્વનો ભાગ છે. આ ઘટનાને હળવાશથી ના લઇ શકાય. સરકાર બેટી બચાવો બેટી પઢાવો અભિયાન ચલાવે છે ત્યારે આવી ઘટના નીચલી કક્ષાનું કૃત્ય ગણાય. કોર્ટે આ સાથે તમામ આરોપીઓને પચાસ હજારનો દંડ પણ ફટકાર્યો હતો.
કોર્ટે કહ્યું કે સરકારે અને અમે પીડિતાનું દુઃખ અમે ગંભીરતાથી લીધું છે. આ મામલે સરકારે પીડિતાનો કેસ જોવા ત્રણ સરકારી વકીલો નીમ્યા હતા. નવરાત્રિના બીજા જ નોરતે બનેલી આ ઘટના અમાનુષિ હતી. આ કેસમાં કુલ 45 સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી. સીસીટીવી અને ફોરેન્સિક પુરાવાઓની પણ મદદ લેવાઈ હતી.
આ ચકચારી ઘટના 4 ઓક્ટોબર 2024ના રોજ નવરાત્રીના બીજા નોરતે રાત્રિના સમયે ભાયલી વિસ્તારમાં બની હતી. 16 વર્ષીય સગીરા તેના મિત્ર સાથે ભાયલી-બીલ ટીપી રોડ પર આવેલી અવાવરું જગ્યાએ બેઠી હતી. દરમિયાન બે મોટરસાઇકલ પર પાંચેેય નરાધમ ત્યાં આવી પહોંચ્યા હતા.
દોષિતોએ સગીરાના મિત્રને બંધક બનાવી તેની સાથે મારપીટ કરી હતી. ત્યારબાદ ત્રણ દોષિતોએ સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. તેમણે સગીરાના મિત્રની હાજરીમાં જ આ કૃત્ય આચર્યું હતું. બાદમાં સગીરાના મિત્રનો મોબાઇલ ફોન લૂંટી દોષિતો ફરાર થઈ ગયા હતા, જેથી તે તાત્કાલિક મદદ માગી ન શકે.
ઘટના બાદ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને CCTV ફૂટેજના આધારે દોષિતો સુધી પહોંચવા તપાસ હાથ ધરી હતી. તપાસના આધારે મુખ્ય દોષિત નરાધમ મુમતાઝ ઉર્ફે આફતાબ સુબેદાર બનજારા, મુન્ના અબ્બાસ બનજારા અને શાહરૂખ કિસ્મતઅલી બનજારા ઉપરાંત મદદગારી કરનાર સૈફઅલી બનજારા અને અજમલ બનજારાની ધરપકડ કરવામાં આવી હતી.



