VALSADVALSAD CITY / TALUKO

વલસાડના રોલા ગામના નિવૃત્ત શિક્ષકે આંતરરાષ્ટ્રીય કક્ષાની મેરેથોનમાં બીજો ક્રમ મેળવ્યો

વલસાડ, તા. ૩ ફેબ્રુઆરી

વલસાડ તાલુકાના રોલા ગામના મોટા ફળિયામાં રહેતા અને ઓઝર કચીગામ વિભાગ માધ્યમિક શાળાના નિવૃત્ત વિજ્ઞાન શિક્ષક રમેશભાઈ એસ.પટેલ (ઉ.વ.૬૯) નિવૃત્ત થયાને ૧૦ વર્ષ દરમિયાન રમત ગમત ક્ષેત્રે જીવન સમર્પિત કરી દીધુ હતું. રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ જ્યાં પણ દોડનું આયોજન થાય ત્યાં રમેશભાઈ પટેલ અચૂક પહોંચી જાય છે. હાલમાં વડોદરાના નવલખી મેદાન ખાતે તા. ૨ ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ યોજાયેલી આંતરરાષ્ટ્રીય મેરેથોન દોડમાં રમેશભાઈએ ૬૫+ ની કેટેગરીમાં પાંચ કિ.મીની દોડમાં ભાગ લઈ બીજો ક્રમ મેળવ્યો હતો. પાંચ કિ.મી.નું અંતર તેમણે માત્ર ૨૬ મીનિટમાં પુરૂ કરી વલસાડ જિલ્લો અને ગુજરાતને આંતરરાષ્ટ્રીય કક્ષાએ નામના અપાવી છે. આ અગાઉ તેઓ કોલેજ કાળથી શરૂઆત કરી ૪૨.૧૯૫ કિ.મી.ની દોડ સાત વખત દોડી ગુજરાતમાં બીજા ક્રમે સ્થાન મેળવી વલસાડ જિલ્લાને ગૌરવ અપાવ્યું હતું. ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ દ્વારા યોજાતી ૧૦ કિમી અને ૫ કિમીની જલદ ચાલ સ્પર્ધામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ મેડલ અને ટ્રોફી મેળવ્યા છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પારનેરા ડુંગર પર આયોજિત આરોહણ અવરોહણ સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવ્યો હતો. તેમણે વખતોવખત મેળવેલી સિધ્ધિઓ બદલ મંત્રીશ્રીઓ અને જિલ્લાના તત્કાલિન કલેકટરશ્રીઓ દ્વારા તેમનું સન્માન પણ કરાયુ હતું. ૬૯ વર્ષની વયે તેઓ યુવાઓ માટે પ્રેરણારૂપ બન્યા છે.

Back to top button
error: Content is protected !!