
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

મહિલા લાભાર્થી પાસેથી રૂ.22,058 વસૂલ્યાનો આક્ષેપ; સરકારે રકમ પરત કરવા સાથે રૂ.44,116ની દંડાત્મક પેનલ્ટી ફટકારી
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) હેઠળ કેશલેસ સારવાર આપવાની ફરજ હોવા છતાં દર્દી પાસેથી રોકડ રકમ વસૂલવાનો ગંભીર મામલો પ્રકાશમાં આવતા આરોગ્ય વિભાગે વલસાડ જિલ્લાના ધરમપુર સ્થિત શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે.
આરોગ્ય, તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ વિભાગના અધિક નિયામક દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર આદેશ અનુસાર, લાભાર્થી દ્વારા મુખ્યમંત્રી કચેરી (CMO) અને આરોગ્ય વિભાગમાં કરાયેલી ફરિયાદની તપાસ બાદ હોસ્પિટલ દ્વારા યોજનાના નિયમોનું ઉલ્લંઘન થયાનું સામે આવ્યું છે.
તપાસમાં જાણવા મળ્યું કે વલસાડ જિલ્લાના લાભાર્થી દિવાળીબેન મગનભાઈ પટેલ પાસેથી દવાના ખર્ચના નામે રૂ.22,058 લેવામાં આવ્યા હતા. જ્યારે PMJAY યોજના હેઠળ આવી સારવાર સંપૂર્ણપણે કેશલેસ હોવી જોઈએ.
આ મામલાને ગંભીરતાથી લઈને આરોગ્ય વિભાગે હોસ્પિટલને દર્દી પાસેથી વસૂલેલી રૂ.22,058ની સંપૂર્ણ રકમ પરત કરવાનો આદેશ આપ્યો છે. સાથે જ નિયમભંગ બદલ તેની બમણી એટલે કે રૂ.44,116ની પેનલ્ટી પણ સાત દિવસમાં સરકારના નિર્ધારિત ખાતામાં જમા કરાવવા ફરમાન કર્યું છે.
વિભાગે હોસ્પિટલને એફિડેવિટ આપવાનો પણ નિર્દેશ કર્યો છે, જેમાં ભવિષ્યમાં યોજનાના નિયમોનો ભંગ નહીં થાય અને જો ફરીથી ઉલ્લંઘન થશે તો હોસ્પિટલને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ અથવા ડી-એમ્પેનલ કરવાની કાર્યવાહી સ્વીકારવામાં આવશે તેવી લેખિત બાંહેધરી આપવાની રહેશે.
આ સમગ્ર ઘટનાએ PMJAY જેવી ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ માટેની કલ્યાણકારી યોજનાના અમલીકરણ અંગે પ્રશ્નો ઉભા કર્યા છે. આરોગ્ય વિભાગે તમામ સંલગ્ન હોસ્પિટલોને સ્પષ્ટ સૂચના આપી છે કે યોજનાના લાભાર્થીઓને સંપૂર્ણ કેશલેસ સારવાર મળે અને ભવિષ્યમાં આવી કોઈ ફરિયાદનું પુનરાવર્તન ન થાય તેની વિશેષ તકેદારી રાખવામાં આવે.



