પેટન્ટ, કોપીરાઈટ અને ટ્રેડમાર્ક વિશેની વિસ્તૃત સમજ પણ વિદ્યાર્થીઓને આપવામાં આવી
—-
માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૧૫ સપ્ટેમ્બર
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભીલાડ ખાતે સ્થિત ગવર્મેન્ટ સાયન્સ કોલેજ દ્વારા ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે શરૂ કરાયેલી SSIP (સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઈનોવેશન પોલિસી) 2.0 યોજના હેઠળ “SSIP માં એક પગલું આગળ” વિષય પર એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
કોલેજના SSIP કો-ઓર્ડિનેટર ડો.ફાલ્ગુની શેઠે સેમિનારના તજજ્ઞોનું સ્વાગત કર્યું હતું. ડૉ. દિપક ધોબી, આચાર્ય (I/c)એ નિષ્ણાતોનું સ્વાગત કર્યું હતું. પંચમ બરૈયા, સેન્ટર હેડ, સુરત સ્ટાર્ટઅપ સ્ટુડિયો, પારુલ યુનિવર્સિટીએ “કેમ્પસ ટુ કંપની: ટ્રાન્સફોર્મિંગ આઇડિયા ઈન ટૂ એક્શન” વિષય પર વ્યાખ્યાન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, કેવી રીતે કોઈ આઈડિયાને ઈનોવેશનમાં રૂપાંતરિત કરી શકાય છે અને કોઈ વ્યક્તિ પોતાના સ્ટાર્ટઅપની સ્થાપના માટે ઉપલબ્ધ વિવિધ ફંડની મદદ કેવી રીતે લઈ શકે છે. તેમણે તેમના દ્વારા સમર્થિત અને માર્ગદર્શન આપતા વિવિધ સ્ટાર્ટઅપ્સની મુસાફરીના અનુભવો પણ જણાવ્યા હતા. અન્ય નિષ્ણાત કીર્તિકુમાર પટેલ, ડાયરેક્ટર, આઈપી કેલ્ક્યુલસ, સુરતએ “ઈનોવેશન એન્ડ ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઈટ્સ” પર તેમનું વક્તવ્ય આપ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને IPR શું છે અને તેનું રક્ષણ શા માટે જરૂરી છે તે વિશે સમજાવ્યું હતું. તેમણે નામાંકિત બ્રાન્ડના કેટલાક જાણીતા ઉદાહરણો આપતા પેટન્ટ, કોપીરાઈટ, ટ્રેડમાર્ક વગેરે શું છે તેના વિવિધ ઉદાહરણો પણ શેર કર્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું કે, કેવી રીતે કોઈ તેમની પેટન્ટનો લાભ મેળવી શકે છે તે અંગે પણ માહિતી આપી હતી. વિદ્યાર્થીઓએ પ્રશ્નોત્તરીના સત્રમાં સક્રિયપણે ભાગ લીધો અને તેમના વિચારોને આગળ લઈ જવા માટે સ્પષ્ટતા મેળવી હતી. આ ઇવેન્ટમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીઓએ ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોલેજના પ્રિન્સીપલ ડૉ. દિપક ડી. ધોબીની અધ્યક્ષતામાં ડૉ. ફાલ્ગુની કે. શેઠના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યુ હતુ.