વલસાડ જિલ્લાના ૮૧૫ પેન્શનરોએ ઘર બેઠા ડિજિટલ લાઈફ સર્ટિફીકેટનો લાભ મેળવ્યો
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
૪૨૩ રેશન કાર્ડ ધારકોને ડોર ટુ ડોર NFSA E-KYC ની મફત સેવા આપવામાં આવી
રાજ્ય સરકારના નાણાં વિભાગ અને પોસ્ટ વિભાગ વચ્ચે થયેલા કરારથી પેન્શનરોને રાહત થઈ
વલસાડ,તા.૨ જૂન:ગુજરાત સરકારના નાણાં વિભાગ અને ભારતીય ડાક વિભાગ વચ્ચે થયેલી સમજૂતી કરાર મુજબ ગુજરાતના પેન્શનરોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં પેન્શનરોને મુસાફરીમાં પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને પોસ્ટ વિભાગની તમામ પોસ્ટ ઓફિસો દ્વારા પેન્શનરોને માટે Digital Life Certificate – DLC સેવા મફતમાં પૂરી પાડવામાં આવી રહી છે. કોઈપણ પેન્શનર (જેનું પેન્શન ગુજરાત સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે) તે ૩૧ જુલાઈ, ૨૦૨૫ સુધી આ સેવાનો લાભ લઇ શકે છે.
ગુજરાત સરકારના તમામ NFSA રેશનકાર્ડ ધારકો માટે e-KYC જનરેટ કરવાની સેવા પણ પોસ્ટ વિભાગ દ્વારા મફતમાં આપવામાં આવી રહી છે. NFSA રેશન કાર્ડ ધારકોને આ સેવા ઘર બેઠા મળી રહે તે માટે આ કામગીરી ડોર ટુ ડોર તથા કેમ્પ દ્વારા કરવામાં આવી રહી છે. આ અંતર્ગત વલસાડ પોસ્ટ વિભાગની ૩૨૫ પોસ્ટ ઓફિસો (શહેર તેમજ ગામ વિસ્તારો) માં અત્યારસુધીમાં પોસ્ટમેન તથા બ્રાંચ પોસ્ટમાસ્ટર દ્વારા ૮૧૫ જેટલા પેન્શનરોને ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ (DLC) અને ૪૨૩ રેશન કાર્ડ ધારકોને ત્યાં NFSA E-KYC ની મફત સેવા આપવામાં આવી છે.
આ બંને સેવાનો લાભ લેવા માટે પેન્શનર ધારકો અને NFSA રેશન કાર્ડ ધારકો નજીકની પોસ્ટ ઓફિસના પોસ્ટમેન તથા બ્રાંચ પોસ્ટમાસ્ટરનો સંપર્ક કરી શકે છે