VALSADVALSAD CITY / TALUKO

વલસાડના હરિયામાં રાજ્યકક્ષાના રાષ્ટ્રીય સિકલસેલ એનિમિયા નાબુદી અભિયાન-૨૦૪૭નો શુભાંરભ કરાવ્યો

—  સિકલસેલ માટે અત્યારનો સમય ચિંતા કરવાનો નથી પણ ચેતવાનો અને તેનાથી મુક્તિ મેળવવાનો છેઃ મંત્રીશ્રી ડો.કુબેરભાઈ ડિંડોર

—  વર્ષ ૨૦૪૭ સુધીમાં સિકલસેલ નાબૂદીનો સંકલ્પ લઈ તેને સિધ્ધિ સુધી લઈ જવાબદારી આપણા સૌની છે એવુ જણાવતા મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડિંડોર

— સિકલસેલના ૫ લાભાર્થીઓને સ્ટેજ પરથી મંત્રીશ્રીના હસ્તે પ્રતિકાત્મક એનિમિયા કાર્ડ અપાયા

— જિલ્લાના ૩૬૦ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરો પર ૫૨૦૦ લોકોને સિકલસેલ એનિમિયા કાર્ડનું વિતરણ કરાયું

માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૧ જુલાઈ

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા તા. ૧ જુલાઈને શનિવારે મધ્યપ્રદેશથી દેશમાં સિકલસેલ એનિમિયા નાબુદી અભિયાન – ૨૦૪૭નો શુભારંભ કરાયો હતો. જેનો રાજ્ય કક્ષાનો કાર્યક્રમ વલસાડ તાલુકાના હરિયા ગામના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે રાજ્યના આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પૌઢ શિક્ષણ વિભાગના મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લાના ૩૬૦ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરો પર ૫૨૦૦ સિકલસેલ એનિમિયા કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું.

રાજ્યકક્ષાના કાર્યક્રમના શુભારંભ પ્રસંગે કેબિનેટ મંત્રીશ્રી ડો.કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું કે, સમગ્ર રાજ્યમાં સિકલસેલ એનિમિયાનો સૌ પ્રથમ કેસ વલસાડ તાલુકાના વાંકલ ગામમાં રક્તદાન કેન્દ્રના ડો.યઝદી ઈટાલિયાના ધ્યાન પર આવ્યો હતો ત્યારબાદ આપણા ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૬થી જ સિકલસેલ નાબૂદી માટે પ્રયાસ આદર્યા હતા. હવે અત્યારનો સમય ચિંતા કરવાનો નથી પણ ચેતવાનો છે અને તેનાથી મુક્તિ મેળવવાનો છે. આપણા દેશની આઝાદીનું શતાબ્દી વર્ષ – ૨૦૪૭ સુધીમાં સિકલસેલની નાબૂદી માટે સંકલ્પ લેવાનો છે અને તેને સિધ્ધિ સુધી લઈ જવાનું છે. આશા વર્કર અને સ્ટાફ નર્સે  લોકોના ઘરે ઘરે જઈને આ રોગને નાથવા માટે તમામ પ્રયાસ હાથ ધરવા જરૂરી છે. સાથે જનભાગીદારી પણ એટલી જ જરૂરી છે. સરકાર દ્વારા આ રોગની મફત તપાસ અને સારવાર પણ ઉપલબ્ધ છે. સિકલસેલ એનિમિયાગ્રસ્ત બાળકનો જન્મ ન થાય તે માટે કાઉન્સેલિંગ કરવાની સામૂહિક જવાબદારી આપણા સૌની છે. મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં મધ્યપ્રદેશ ખાતે યોજાયેલા રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમ થકી આજે દેશના ૧૭ રાજ્યો અને ૨૭૮ જિલ્લામાં ૫૦ હજાર હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરો પર ૭.૫૦ લાખ સિકલસેલ એનિમિયા કાર્ડનું વિતરણ કરાશે. મંત્રીશ્રીએ વધુમાં ડોકટર ડે ની શુભેચ્છા પાઠવી સિકલસેલને જડમૂળથી નાબૂદ કરવાનું કામ ડોકટરો અને આરોગ્ય કર્મીઓએ કરવાનું છે એવી હાકલ કરી હતી સાથે જ કોરોનાકાળમાં ધરતી પરના દેવતૂલ્ય ડોકટરોએ જે રીતે લોકોના જીવ બચાવ્યા તેમ હવે સિકલસેલને પણ નાબૂદ કરવુ જરૂરી બન્યું છે.

આ પ્રસંગે વલસાડ ડાંગના સાંસદ સભ્ય ડો. કે.સી.પટેલે સિકલસેલ અને લેપ્ટોસ્પાઈરોસીસ રોગને કાબૂમાં રાખવા માટેની કાળજીઓ વિશે સમજ આપી હતી. વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલે સિકલસેલ રોગની ગંભીરતા વિશે સમજ આપી કોવિડ-૧૯માં કરેલી કામગીરી બદલ આરોગ્ય કર્મીઓને અભિનંદન પાઠવ્યા હતા. ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે સિકલસેલના દર્દીને સરકાર દ્વારા રૂ. ૫૦૦ની માસિક સહાય ચૂકવવામાં આવે તે માટે બજેટમાં જોગવાઈ કરાઈ હોવાનું જણાવ્યું હતું. ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકરે મલેરિયા, હાથીપગો સહિતની બિમારીને જે રીતે નાબૂદ કરવામાં સફળતા મળી તેમ સિકલસેલ નાબૂદી માટે પણ સહિયારો પ્રયાસ કરી સફળતા મેળવીશુ એવુ આહવાન કર્યુ હતું.

આ પ્રસંગે સિકલસેલના ૫ લાભાર્થીઓને સ્ટેજ પરથી મંત્રીશ્રીના હસ્તે પ્રતિકાત્મક એનિમિયા કાર્ડ અપાયા હતા. સ્વાગત પ્રવચન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કિરણ પી.પટેલે જયારે આભારવિધિ એપિડેમિક મેડિકલ ઓફિસર ડો. મનોજ પટેલે કરી હતી. કાર્યક્રમનું સંચાલન ભાવેશભાઈ રાયચાએ કર્યુ હતું.

આ પ્રસંગે વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ અલકાબેન શાહ, કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી, વલસાડ તાલુકા પંચાયતના પ્રમુખ કમલેશસિંહ ઠાકોર, જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનિષ ગુરવાની અને પ્રાયોજન વહીવટદારશ્રી અતિરાગ ચપલોત, ગાંધીનગર સ્થિત સ્ટેટ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી ડાયરેકટર ડો.સ્વપ્નિલ શાહ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

બોક્ષ મેટર

લગ્ન માટે કુંડળીને બદલે સિકલસેલનો રિપોર્ટ મેચ કરી લગ્ન કરજો તો રોગને એક પેઢીમાંથી બીજી પેઢીમાં જતો અટકાવી શકાશેઃ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી

રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમમાં મધ્યપ્રદેશના શહડોલ ખાતેથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલી સંબોધન કરતા જણાવ્યું કે, દેશભરમાં સિકલસેલ એનિમિયા મુક્તિ મિશનના મોટા અભિયાનની શરૂઆત થઈ ચૂકી છે. સિકલસેલની બિમારી ખૂબ જ પીડાદાયક છે. જેમાં શરીરમાં સોજા અને થાક અનુભવાય છે. શ્વાસ ફૂલી જાય છે. આ રોગ હવા, પાણી કે ખોરાકથી નથી થતો પરંતુ માતા-પિતામાંથી વારસાગત રીતે આવે છે. જે બાળક જન્મ લે છે તે આખી જિંદગી પીડાદાયક જીવન જીવે છે. તત્કાલિન મુખ્યમંત્રીશ્રીના કાર્યકાળ દરમિયાન મધ્યપ્રદેશના ગવર્નરશ્રી મંગુભાઈ પટેલ સાથે ગુજરાતના આદિવાસી વિસ્તારોની મુલાકાતો લઈ આ રોગની નાબૂદી માટે પ્રયાસ હાથ ધર્યા હતા. સિકલ સેલ નાબૂદી એ અમૃતકાળનું મિશન બનશે. જેથી મિશન મોડમાં અભિયાન ચલાવી દેશના આદિવાસી પરિવારોને સિકલસેલમાંથી મુક્તિ અપાવવાનું દાયિત્વ આપણા સૌનું છે. સિકલસેલને વધતો અટકાવવા માટે વડાપ્રધાનશ્રીએ મહત્વનું સૂચન કરતા જણાવ્યું કે, દેખીતા લક્ષણો વિના કોઈપણ વ્યક્તિ સિકલસેલનો વાહક હોય શકે છે તે માટે સ્ક્રીનીંગ કરાવવુ જરૂરી છે. લગ્ન માટે કુંડળી કે જન્માક્ષર મેળવવાને બદલે સિકલસેલ તપાસનો રિપોર્ટ કાર્ડ મેચ કરવો જરૂરી છે પછી જ લગ્ન કરજો તો જ સિકલસેલને એક પેઢીથી બીજી પેઢીમાં જતો અટકાવી શકાશે. જેથી તપાસ કરાવવા માટે દરેક વ્યકિતએ જવાબદારીપૂર્વક આગળ આવવુ પડશે. આ જ રીતના પ્રયાસથી રક્તપિતના કેસ ઘટયા છે અને વર્ષ ૨૦૨૫ સુધીમાં રક્તપિતને દેશમાંથી જડમૂળથી નાબૂદ કરી દઈશું. આજે મધ્યપ્રદેશમાં લોકોને હોસ્પિટલોમાં સારવાર માટે રૂ. ૫ લાખ સુધીની સહાયના ૧ કરોડ આયુષ્યમાન કાર્ડની ભેટ આપવામાં આવી છે. જે કાર્ડ રૂ. ૫ લાખ સુધીના એટીએમ કાર્ડ તરીકે કામ કરશે. દેશની કોઈ પણ હોસ્પિટલમાં જઈને આ કાર્ડ બતાવજો તો પૈસા નહીં આપવા પડશે આ મોદીની ગેરંટી છે. અત્યાર સુધીમાં ૫ કરોડ ગરીબોનો ઈલાજ આ કાર્ડથી થઈ ચૂક્યો છે. જેની પાછળ રૂ. ૧ લાખ કરોડનો ખર્ચ સરકારે ઉપાડ્યો છે. ગરીબની બિમારીની સૌથી મોટી ચિંતા દૂર કરતો આ કાર્ડ છે.

બોક્ષ મેટર

જિલ્લામાં તાલુકા વાઈઝ સિકલસેલના દર્દીઓની સ્થિતિ 

ક્રમ તાલુકાનું નામ સિકલસેલ તપાસ કરેલ વ્યક્તિઓની સંખ્યા સિકલસેલ દર્દીની સંખ્યા સિકલસેલ વાહકની સંખ્યા
વલસાડ ૨૩૮૩૧૯ ૪૪૯ ૧૩૪૨૬
પારડી ૧૮૩૩૭૩ ૩૯૯ ૮૫૦૧
વાપી ૫૮૮૨૧ ૧૫૮ ૪૦૬૧
ઉમરગામ ૨૦૭૦૯૬ ૩૬૮ ૮૪૭૨
ધરમપુર ૧૭૨૯૨૪ ૫૬૨ ૧૩૮૯૯
કપરાડા ૨૩૯૩૪૫ ૬૨૬ ૧૪૦૨૫
કુલ ૧૦૯૯૮૭૮ ૨૫૬૨ ૬૨૩૮૪

-૦૦૦-

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!