Rajkot -: શાળા સલામતી સપ્તાહ – ૨૦૨૬ :- મહીકા શાળાના બાળકોને પ્રાથમિક સારવારના પાઠ ભણાવાયાં

તા.૩૦/૧/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અકસ્માતે લોહી નીકળે, ફ્રેક્ચર થાય તો હાથવગા સાધનોનો ઉપયોગ કરી ઇમર્જન્સીમાં મદદરૂપ બનવા અંગે નિદર્શન કરવામાં આવ્યું
Rajkot: શાળા સલામતી સપ્તાહ અંતર્ગત અકસ્માત, દુર્ઘટના કે કુદરતી આફત સમયે ઈજાગ્રસ્ત દર્દીને તાત્કાલિક સારવાર મળી રહે તે અંગે શ્રી મહીકા શાળાના બાળકોને પ્રાથમિક સારવારના પાઠ ભણાવાયાં હતાં.
સમગ્ર રાજ્યમાં હાલ ‘શાળા સલામતી સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી રહી, ત્યારે રાજકોટ તાલુકાના મહીકા ગામે શ્રી મહીકા પ્રાથમિક શાળાના ૧૦૦થી વધુ વિદ્યાર્થીઓને પ્રાથમિક સારવાર અને સી.પી.આર.નું માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવી હતી.
રેડક્રોસ સોસાયટીના ઇન્સ્ટ્રક્ટર શ્રી રહીમ દલે ઘાયલ દર્દીને ક્યાં પ્રકારે મદદરૂપ બની શકાય તે માટે પ્રેક્ટિકલ જ્ઞાન આપ્યું હતું. જેમાં અકસ્માતમાં શરીર પર કોઈ ઘા લાગે ત્યારે લોહી નીકળતા તેને રૂમાલ વડે તાત્કાલિક કેવી રીતે બંધ કરવું, શરીરના કોઈ અંગમાં ફ્રેક્ચર થાય તો હોસ્પિટલ સુધી પહોંચાડતા પહેલા હાથવગા સાધનોની મદદથી બેન્ડેજ કરવા અંગે લાઈવ ડેમો આપ્યો હતો. ખાસ કરીને અંતરિયાળ જગ્યામાં ઘાયલને કેવી રીતે ઉંચકવા, સ્ટ્રેચર બનાવવુ વગેરે બાબતોનું માર્ગદર્શન વિદ્યાર્થીઓ તેમજ શાળાના શિક્ષકોને પૂરું પાડવામાં આવ્યું હતું.
શ્રી દલે જણાવ્યું હતું કે, શાળાના બાળકો માટે સ્કૂલમાં ફર્સ્ટ એઈડ બોક્સ હોવું જરૂરી છે. ઘાયલને ઇમર્જન્સી સારવાર મળે તે પહેલા નજીકની વ્યક્તિ પણ મદદરૂપ બની શકે છે. જેના માટે પ્રાથમિક સારવારની માહિતી દરેક લોકોને મળી રહે તે જરૂરી છે. આ આશયથી રાજ્ય સરકાર દ્વારા શાળા સલામતી સપ્તાહ ઉપરાંત આરોગ્ય કેન્દ્ર ખાતે માર્ગદર્શક સેમિનારનું આયોજન કરવામાં આવતું હોય છે.
રાજકોટ જિલ્લામાં હાલ શાળા સલામતી સપ્તાહ અંતર્ગત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ શાળાના શિક્ષકોને પણ પ્રાથમિક સારવારનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે. જેના કારણે કોઈપણ ઇમર્જન્સીમાં તાત્કાલિક પ્રાથમિક સારવાર થકી ઈજાગ્રસ્ત દર્દીને મદદરૂપ બની શકાય છે.





