વાત્સલ્યમ સમાચાર -મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં વઘઈ તાલુકામાં આવેલા કોશમાળ ગામ નજીકનાં પ્રખ્યાત ભેગુ ધોધ ખાતે અચાનક પાણીનો પ્રવાહ વધતા સંખ્યાબંધ પ્રવાસીઓ ધોધના વચાળે ફસાયા હતા.ભારે વરસાદનાં કારણે પાણીનું સ્તર ઝડપથી વધતા પ્રવાસીઓમાં અફરાતફરી મચી ગઈ હતી.જોકે સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર પંથકમાં ચિંતાનો માહોલ છવાયો છે.પ્રાપ્ત માહિતી અનુસાર, ડાંગ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા ભારે વરસાદને કારણે નદીઓ અને ધોધ છલકાઈ રહ્યા છે. આવા સમયે કોશમાળ સ્થિત ભેગું ધોધ ખાતે અનેક પ્રવાસીઓ કુદરતી સૌંદર્યનો આનંદ માણવા ઉમટી પડ્યા હતા.
પરંતુ, અચાનક ધોધમાં પાણીનો પ્રવાહ એટલો ઝડપથી વધ્યો કે ધોધ નીચે ઉભેલા પ્રવાસીઓ ચારેય બાજુથી પાણીથી ઘેરાઈ ગયા હતા.વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે પાણીના તેજ પ્રવાહ વચ્ચે પ્રવાસીઓ એકબીજાનો હાથ પકડીને જીવના જોખમે સલામત સ્થળે પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. કેટલાક પ્રવાસીઓ ભારે મુશ્કેલીથી બહાર નીકળી શક્યા હતા,જ્યારે અન્યોને સ્થાનિક લોકો અને અન્ય પ્રવાસીઓની મદદ લેવી પડી હતી. આ વીડિયો વાયરલ થતા જ તંત્ર અને પ્રવાસીઓની સુરક્ષાને લઈને અનેક સવાલો ઉભા થયા છે.
ઉલ્લેખનીય છે કે, ચોમાસા દરમિયાન ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નદીઓ અને ધોધ નજીક ન જવા માટે જાહેરનામું બહાર પાડીને પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જોકે, આ ઘટનામાં પ્રવાસીઓ પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ્યા હોવાનું સ્પષ્ટપણે દેખાય છે. તંત્ર દ્વારા સલામતીના પગલાં લેવામાં આવ્યા હોવા છતાં પ્રવાસીઓ દ્વારા તેનું ઉલ્લંઘન થતા તંત્રના દાવા બુમરેંગ સાબિત થયા હોય તેમ લાગી રહ્યું છે.ત્યારે પ્રવાસીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વધુ કડક પગલા લેવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે..



