MORBI:મોરબીમાં એલ.ઈ. ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજ ખાતે UPSC અને GPSC પરીક્ષાઓ અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો

મોરબીમાં એલ.ઈ. ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજ ખાતે UPSC અને GPSC પરીક્ષાઓ અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો
કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરે અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિદ્યાસાગરે યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા માટે સતત મહેનત અને સેલ્ફ સ્ટડી કરવા પ્રોત્સાહિત કર્યા
પ્રિલિમ્સ, મેઇન્સ અને ઇન્ટરવ્યુની તૈયારી માટે ટાઇમ-ટેબલ અને ન્યૂઝ પેપરના નિયમિત વાંચન પર ભાર મુકાયો
મોરબીના યુવાનોને સિવિલ સર્વિસ ક્ષેત્રે કારકિર્દી બનાવવાની પ્રેરણા અને યોગ્ય દિશા પૂરી પાડવાના આશયથી એલ.ઈ. ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજ ખાતે જિલ્લા રોજગાર કચેરી દ્વારા UPSC અને GPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેનો વિશેષ સેમિનાર યોજાયો હતો.આ કાર્યક્રમમાં કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરે અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિદ્યાસાગરની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.
માર્ગદર્શન આપતા કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરેએ પોતાના અનુભવો વિશે વાત કરતા જણાવ્યું હતું કે, કોઈ પણ પરીક્ષા નાની કે મોટી હોતી નથી; યોગ્ય શિડ્યુલ, પેપર પેટર્નની સમજ અને શ્રેષ્ઠ પુસ્તકોની પસંદગી જ સફળતાનો માર્ગ પ્રશસ્ત કરે છે. તેમણે વિદ્યાર્થીઓને નિષ્ફળતાથી નાસીપાસ થયા વિના સતત પ્રયત્નશીલ રહેવા અને જરૂર જણાયે તેમનું માર્ગદર્શન મેળવવા અનુરોધ કર્યો હતો.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિદ્યાસાગરે સેલ્ફ સ્ટડી, દૈનિક ન્યૂઝ પેપર વાંચન અને અભ્યાસને પ્રથમ પ્રાથમિકતા આપવાની બાબત પર વિશેષ ભાર મૂક્યો હતો.
આ સેમિનારમાં હળવદ પ્રાંત અધિકારીશ્રી ધાર્મિક ડોબરીયા તેમજ ડેપ્યુટી કલેક્ટર અને મોરબી શહેર મામલતદારશ્રી તુષાર ગોરવાડીયાએ પણ પરીક્ષાલક્ષી સફળ વ્યુહરચના અંગે વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો. કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા રોજગાર અધિકારીશ્રી મનીષા સાવનિયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું તથા કોલેજના પ્રિન્સિપાલ ડૉ. આર.કે. મેવાડાએ આભારવિધિ કરી હતી.
આ માર્ગદર્શન સેશનમાં વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા પરીક્ષાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા.










