
ભારે વરસાદના કારણે વાલીયા તાલુકાના અનેક ગામોમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતાં ઘરવખરીને ભારે નુકસાન પહોંચ્યું છે. આવી પરિસ્થિતિમાં આજે ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન વિક્રમસિંહ રાજ દ્વારા અસરગ્રસ્ત ગામોની મુલાકાત લેવામાં આવી હતી.
મેરા, પણસોલી, બેસાડ, સોડગામ, વિઠ્ઠલગામ અને દહેલી સહિતના ગામોમાં પહોંચી તેમણે અસરગ્રસ્ત પરિવારોની સ્થિતિનો જાતે જ તાગ મેળવ્યો અને જરૂરિયાતમંદ પરિવારોને અનાજની કીટનું વિતરણ કર્યું.
આ રાહત વિતરણ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ પ્રકાશભાઈ મોદી, જિલ્લા મહામંત્રી પરેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિના ચેરમેન સેવન્તુભાઈ વસાવા, જિલ્લા ઉપપ્રમુખ મનોજભાઈ મહેતા, ભાજપ અગ્રણી વિક્રમસિંહ રાજ, મહેશભાઈ પાટણવાડીયા, પૃથ્વીસિંહ ગોહિલ સહિત અન્ય આગેવાનો, ગામોના સરપંચશ્રીઓ અને ભાજપ સંગઠનના કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા.
અસરગ્રસ્ત પરિવારોને જરૂરી સહાય સમયસર મળી રહે તે માટે સ્થાનિક આગેવાનો દ્વારા પણ સહયોગ આપવામાં આવ્યો હતો. મુલાકાત દરમિયાન લોકોની સમસ્યાઓ સાંભળી જરૂરી મદદ અને સહાય પહોંચાડવાની ખાતરી આપવામાં આવી હતી.







