DEDIAPADAGUJARATNARMADA

ખુપર બરસાણ ખેડૂતોની પ્રાકૃતિક કૃષિના મોડેલ ફાર્મ અને મશરૂમ યુનિટની મુલાકાત*

ચિકદા ખેડૂતોની પ્રાકૃતિક કૃષિના મોડેલ ફાર્મ અને મશરૂમ યુનિટની મુલાકાત*

તાહિર મેમણ – ડેડીયાપાડા – 08/08/2026 –

ચિકદા તાલુકાના ખેડૂત ભાઈ-બહેનોએ ખુપર બરસાણ ગામે વસાવા દાનેશ્વરભાઈ માનસિંગભાઈના પંચસ્તરીય પ્રાકૃતિક કૃષિના મોડેલ ફાર્મ તથા મશરૂમ યુનિટની મુલાકાત લઈ આધુનિક, પ્રાકૃતિક અને ટકાઉ ખેતી પદ્ધતિઓ અંગે પ્રત્યક્ષ માર્ગદર્શન મેળવ્યું હતું. સફળ ખેડૂતના ખેતર પર કરવામાં આવતા વિવિધ પ્રયોગો અને નવીન ખેતી પદ્ધતિઓનું નિદર્શન ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યું હતું.

 

મોડેલ ફાર્મની મુલાકાત દરમિયાન ખેડૂતોને જમીન અને ઉપલબ્ધ જગ્યાનો મહત્તમ ઉપયોગ, આંતરપાક, મિશ્રપાક અને પાક વૈવિધ્યકરણ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. સાથે જ દેશી ગાયનું મહત્વ, ગૌ આધારિત ખેતી તથા ગાય આધારિત કૃષિ ઇનપુટ્સના ઉપયોગથી ખેતી ખર્ચ ઘટાડવા અને જમીનની ફળદ્રુપતા જાળવવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

 

આ ઉપરાંત રસાયણિક ખાતરો અને જંતુનાશકોના વિકલ્પો તરીકે પ્રાકૃતિક ખેતીમાં ઉપયોગી વિવિધ પદ્ધતિઓ, ખેતીમાં ઉત્પાદન ખર્ચ ઘટાડવાના ઉપાયો, પાક ઉત્પાદન વધારવા તેમજ યોગ્ય બજાર વ્યવસ્થાપન અંગે પણ ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યા હતા.

 

*મશરૂમ યુનિટની મુલાકાતથી વ્યવસાયિક ખેતીનું પ્રત્યક્ષ જ્ઞાન*

 

મશરૂમ યુનિટની મુલાકાત દરમિયાન ખેડૂતોને મશરૂમની વૈજ્ઞાનિક અને વ્યવસાયિક ખેતી અંગે પ્રત્યક્ષ અને વ્યવહારુ જ્ઞાન આપવામાં આવ્યું હતું. મશરૂમ ઉત્પાદનની વિવિધ તબક્કાવાર પ્રક્રિયા, જરૂરી માળખાકીય સુવિધાઓ, ઉત્પાદન ખર્ચ, આવકની સંભાવનાઓ, મૂલ્યવર્ધન અને બજાર વ્યવસ્થા અંગે ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

 

મર્યાદિત જમીન અને પ્રમાણમાં ઓછી મૂડીમાં મશરૂમ ઉત્પાદન દ્વારા આવકના નવા સ્ત્રોત ઊભા કરી શકાય છે, તે અંગે ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યા હતા. મશરૂમ ખેતીને સ્વરોજગાર તેમજ કૃષિ આધારિત ઉદ્યોગસાહસિકતાના એક વિકલ્પ તરીકે અપનાવવા માટે પણ ખેડૂતોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

 

*પ્રત્યક્ષ નિદર્શનથી નવીન ખેતી પદ્ધતિઓ અપનાવવાની પ્રેરણા*

 

ખેડૂતો માટે પ્રત્યક્ષ માર્ગદર્શન અને ખેતર પરના જીવંત પ્રયોગો નવીન ખેતી પદ્ધતિઓ સમજવા માટે અસરકારક માધ્યમ બની રહ્યા છે. સફળ ખેડૂતના અનુભવ અને મોડેલ ફાર્મ પરના પ્રયોગોના પ્રત્યક્ષ નિદર્શનથી ખેડૂતો નવીન અને ટકાઉ ખેતી પદ્ધતિઓને સરળતાથી સમજી પોતાના ખેતરમાં તેનો અમલ કરી શકે છે. જેના પરિણામે ખેતી ખર્ચમાં ઘટાડો, જમીનની ગુણવત્તામાં સુધારો, ગુણવત્તાયુક્ત ઉત્પાદન અને ટકાઉ કૃષિ વિકાસને પ્રોત્સાહન મળી શકે છે.

 

આ સમગ્ર ખેડૂત મુલાકાત કાર્યક્રમનું આયોજન અને સંચાલન દેડિયાપાડા તાલુકાના એ.ટી.એમ. એ.એમ. વસાવા દ્વારા કરવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!