WAKANER વાંકાનેરના 2 કરોડના દારૂના ગુનામાં નાસ્તો ફરતો આરોપીને રાજકોટ રેન્જ ટીમે ચોટીલાથી ઝડપી લીધો

WAKANER વાંકાનેરના 2 કરોડના દારૂના ગુનામાં નાસ્તો ફરતો આરોપીને રાજકોટ રેન્જ ટીમે ચોટીલાથી ઝડપી લીધો
આરોપી વિરુદ્ધ ખૂન, ખૂનની કોશિશ અને પ્રોહિબિશન સહિત અગાઉ ૧૯ ગુના નોંધાઈ ચૂક્યા છે
રાજકોટ રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાયની સૂચનાથી રેન્જ ટીમે ટેકનિકલ એનાલિસિસના આધારે ઓપરેશન પાર પાડ્યું

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયેલા અંદાજે બે કરોડ રૂપિયાના વિદેશી દારૂના મોટા નેટવર્કમાં લાંબા સમયથી નાસતા-ફરતા અને અગાઉ ખૂન, મારામારી તેમજ પ્રોહિબિશન જેવા ૧૯ જેટલા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા રીઢા ગુનેગારને રાજકોટ રેન્જની ટીમે ચોટીલા નજીકથી દબોચી લીધો છે.
રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક (IPS) નિર્લિપ્ત રાય દ્વારા રેન્જના જિલ્લાઓમાં ગુના આચરીને નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત રાજકોટ રેન્જના પોલીસ ઇન્સ્પેક્ટર અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પી.એન. મોરી, બી.સી. મિયાત્રા, સી.એમ. કાંટેલીયા અને ટીમ દ્વારા હ્યુમન સોર્સ તેમજ ટેકનિકલ એનાલિસિસની મદદથી વોચ ગોઠવવામાં આવી હતી.
આ દરમિયાન પીએસઆઈ સી.એમ. કાંટેલીયા અને તેમની ટીમના સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીના આધારે, મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના ₹2 કરોડના પ્રોહિબિશન ગુનાનો મુખ્ય આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા (રહે. જામનગર, સતીષા પીરની દરગાહ પાસે) ચોટીલા તરફ હોવાની માહિતી મળી હતી. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ચોટીલા લાલા રઘુવંશી હોટલની બાજુમાં આવેલી નગીન હોટલ પાસે જાહેર રોડ પરથી તેને ઝડપી પાડ્યો હતો. આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
ગુનાહિત ઈતિહાસ: પકડાયેલો આરોપી હિતેશ ઉર્ફે વાંગો સામાન્ય ગુનેગાર નથી, તેની વિરુદ્ધ અગાઉ ખૂન (મર્ડર), ખૂનની કોશિશ (હાફ મર્ડર), મારામારી અને દારૂની હેરાફેરી (પ્રોહિબિશન) જેવા કુલ ૧૯ જેટલા ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે
આ સફળ કામગીરીમાં રાજકોટ રેન્જના પો.ઇન્સ. અપૂર્વ પટેલ, પીએસઆઈ પી.એન.મોરી, બી.સી.મીયાત્રા, સી.એમ.કાંટેલીયા, પી.સી.સરતેજા તથા સ્ટાફના સંદિપસિંહ ઝાલા, કાસમભાઇ બ્લોચ, કમલેશભાઇ રબારી, મીતેશભાઇ પટેલ, નરેન્દ્રસિહ રાઠોડ, આશાબેન પટેલ, બલદેવસિહ વીરદી અને ડ્રાઈવર ધર્મેન્દ્રસિહ જાડેજા જોડાયા હતા.



