
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી ,તા-૧૧ ઓગસ્ટ : “હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા: સ્વતંત્રતા સ્વચ્છતા કે સંગ” અભિયાન સાથે જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલના માર્ગદર્શન હેઠળ કચ્છમાં સ્વતંત્રતા સપ્તાહની ઉજવણી અંતર્ગત વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે આ અભિયાન અંતર્ગત દેશભક્તિભર્યા વાતાવરણમાં વિવિધ ગામોમાં તિરંગા યાત્રા, ઘરઘર તિરંગા વિતરણ અને જાહેર સ્થળોએ સફાઈ ઝુબેશ હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશમાં ઉત્સાહભેર મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતાં.આ અભિયાન અંતર્ગત વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓનું આયોજન સમગ્ર કચ્છમાં કરવામાં આવ્યું હતું. જેમાં મીરઝાપર, ગોડપર સરલી, પધ્ધર, માધાપર નવાવાસ, સુમરાસર, ભદ્રેશ્વર, ખરોઈ, મંગવાણા, મનફરા સહિતના કચ્છના વિવિધ ગામોમાં સફાઈ ઝુંબેશ અને તિરંગાયાત્રાનું આયોજન કરાવામાં આવ્યું હતું. જેમાં ગ્રામજનોએ ઉમંગભેર સહભાગી બન્યાં હતાં. આ સાથે શાળાઓમાં વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.તિરંગા યાત્રા અને સફાઈ કામગીરીમાં જિલ્લા, તાલુકા અને ગામ કક્ષાના અગ્રણીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, સરપંચશ્રી, ગ્રામ પંચાયતના સભ્યો, આંગણવાડી કાર્યકરો જોડાયા હતા. આ સાથે જ તિરંગા યાત્રામા યુવાનો, વિદ્યાર્થીઓ, મહિલાઓ સહિત નાગરિકો મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાયા હતા.








