નારી વંદન ઉત્સવ અંતર્ગત જૂનાગઢમાં “મહિલા નેતૃત્વ દિવસ”ની ઉજવણી, મહિલા નેતૃત્વ દિવસની ઉજવણીમાં મહિલા સરપંચો અને બાલિકા પંચાયતની દીકરીઓનું સન્માન
નારી વંદન ઉત્સવ અંતર્ગત જૂનાગઢમાં "મહિલા નેતૃત્વ દિવસ"ની ઉજવણી, મહિલા નેતૃત્વ દિવસની ઉજવણીમાં મહિલા સરપંચો અને બાલિકા પંચાયતની દીકરીઓનું સન્માન

નારી વંદન ઉત્સવના ભાગરૂપે મહિલા અને બાળ વિકાસ વિભાગ, જૂનાગઢ દ્વારા આજ રોજ જિલ્લા પંચાયત સભાખંડ, જૂનાગઢ ખાતે”મહિલા નેતૃત્વ દિવસ”ની ઉજવણી જિલ્લા પંચાયત પ્રમુખ લીનાબેન કાવાણીના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી.કાર્યક્રમમાં જિલ્લા મહિલા સમિતિના ચેરમેનશ્રી વનીતાબેન વાસણ, ન્યાય સમિતિના ચેરમેન ઇન્દુબેન ચાવડા, વિવિધ ગામોના મહિલા સરપંચો, જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી સી. જી. સોજીત્રા, પ્રોગ્રામ ઓફિસરશ્રી વત્સલાબેન દવે, દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારીશ્રી બી. ડી. ભાડ, વિવિધ ક્ષેત્રોમાં નેતૃત્વ કરી રહેલી મહિલાઓ તેમજ ધણફુલિયા અને શાપુર બાલિકા પંચાયતના સરપંચો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી લીનાબેન કાવાણીએ જણાવ્યું હતું કે મહિલાઓ પોતાની આવડત, કૌશલ્ય અને આત્મવિશ્વાસના બળે આત્મનિર્ભર બની સમાજના દરેક ક્ષેત્રમાં આગવું સ્થાન અને ઓળખ ઉભી કરે તેમજ નેતૃત્વની ભૂમિકા નિભાવી સતત પ્રગતિના નવા સોપાનો સર કરે તે આજના સમયની આવશ્યકતા છે.જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી સી. જી. સોજીત્રાએ મહિલાઓને રાજકીય, સામાજિક, આર્થિક તેમજ સ્વરોજગાર અને ઉદ્યોગ ક્ષેત્રે આગળ આવી સર્વાંગી વિકાસ હાંસલ કરવા તેમજ દેશના વિકાસમાં સક્રિય ભાગીદાર બનવા અનુરોધ કર્યો હતો. તેમણે મહિલા સશક્તિકરણ અને સરકારની વિવિધ મહિલાલક્ષી યોજનાઓ અંગે પણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.કાર્યક્રમ દરમિયાન પશુપાલન અને ડેરી ક્ષેત્રે નોંધપાત્ર કાર્ય કરતી મહિલાઓ તેમજ આત્મા પ્રોજેક્ટ હેઠળ ગાય આધારિત કુદરતી ખેતી સાથે સંકળાયેલી મહિલા ખેડૂતોએ પોતાના અનુભવો રજૂ કર્યા હતા. તેમજ ધણફુલિયા અને શાપુર બાલિકા પંચાયતની દીકરીઓએ પોતાના નેતૃત્વના અનુભવો અને કાર્ય અંગે રજૂઆત કરી હતી, જે ઉપસ્થિત બહેનો માટે પ્રેરણારૂપ બની હતી. આ ઉપરાંત વિવિધ ગામોના મહિલા સરપંચો તેમજ બાલિકા પંચાયતની દીકરીઓને મોમેન્ટો અને શિલ્ડ અર્પણ કરી તેમની કામગીરીને બિરદાવવામાં આવી હતી. તેમના નેતૃત્વ, સેવાભાવ અને સફળતાની ગાથાએ ઉપસ્થિત મહિલાઓમાં આત્મવિશ્વાસ અને પ્રેરણાનો સંચાર કર્યો હતો. કાર્યક્રમના અંતે મહિલાઓને આર્થિક સશક્તિકરણ, કૌશલ્ય વિકાસ, સ્વરોજગાર તથા સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો મહત્તમ લાભ લઈ આત્મનિર્ભર બનવા તેમજ સમાજના સર્વાંગી વિકાસમાં નેતૃત્વની સક્રિય ભૂમિકા નિભાવવા અપીલ કરવામાં આવી હતી. અંતમાં દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી બી. ડી. ભાડ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મહિલા અને બાળ વિકાસ વિભાગની સમગ્ર ટીમ ઉપસ્થિત રહી હતી.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ







