GUJARATKUTCHMUNDRA

વિશ્વ આરોગ્ય દિવસ ૨૦૨૬: વિજ્ઞાનના સાધનો હોવા છતાં સ્વાસ્થ્ય માટે ‘સાથે’ ઊભા રહેવામાં તંત્રની નિષ્ફળતા કેમ?

ગુજરાતમાં માત્ર ૨.૬૫% ડિલિવરી જ સરકારી આરોગ્ય કેન્દ્રમાં! કચ્છના ગાંધીધામમાં તો ૦.૧૯% અને માંડવીમાં માત્ર ૦.૫૨%!

આરોગ્ય : વિશ્વ આરોગ્ય દિવસ વિશેષ

 

વિશ્વ આરોગ્ય દિવસ ૨૦૨૬: વિજ્ઞાનના સાધનો હોવા છતાં સ્વાસ્થ્ય માટે ‘સાથે’ ઊભા રહેવામાં તંત્રની નિષ્ફળતા કેમ?

 

ગુજરાતમાં માત્ર ૨.૬૫% ડિલિવરી જ સરકારી આરોગ્ય કેન્દ્રમાં! કચ્છના ગાંધીધામમાં તો ૦.૧૯% અને માંડવીમાં માત્ર ૦.૫૨%!

 

ભુજ, તા. 7 એપ્રિલ 2026:

આજે સમગ્ર વિશ્વ ‘વિશ્વ આરોગ્ય દિવસ’ ઉજવી રહ્યું છે. આ વર્ષની થીમ છે “Together for health. Stand with science” (સ્વાસ્થ્ય માટે સાથે, વિજ્ઞાન સાથે ઊભા રહો). આ થીમનો મુખ્ય હેતુ એ છે કે વિજ્ઞાન દ્વારા ઉપલબ્ધ શ્રેષ્ઠ સાધનો અને જ્ઞાનનો ઉપયોગ કરીને આપણે સૌ સાથે મળીને સમાજના સ્વાસ્થ્યને સુધારીએ.

પરંતુ ગુજરાતના આરોગ્ય તંત્રના વાસ્તવિક આંકડા અને પાયાના કર્મચારીઓની સ્થિતિ આ થીમ સાથે તદ્દન વિરોધાભાસી ચિત્ર રજૂ કરે છે.

 

આંકડાકીય વિશ્લેષણ: સાધનોની ફોજ છતાં પ્રજા ખાનગીના ભરોસે

આજથી બે દાયકા પહેલા જ્યારે ગામડાઓમાં વિજ્ઞાનના સાધનો મર્યાદિત હતા ત્યારે માત્ર ૧૦ પાસ નર્સબહેનો અને અનુભવી દાયણ દ્વારા ઘરઆંગણે સલામત ડિલિવરી કરાવવામાં આવતી હતી. તે સમયે ભૌતિક સુવિધાઓ ઓછી હતી, છતાં સેવાભાવ મજબૂત હતો જયારે આજે વિજ્ઞાન એટલું આગળ વધી ગયું છે કે દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર એમ.બી.બી.એસ., આયુષ ડોક્ટરો, અને ફીમેલ હેલ્થ સુપરવાઈઝર, ફીમેલ હેલ્થ વર્કર તથા રિઝર્વ સ્ટાફ નર્સ ઉપરાંત પેટા આરોગ્ય કેન્દ્ર – આયુષ્માન આરોગ્ય મંદિરોમાં ત્રણ-ત્રણ કવોલિફાઈડ સ્ટાફ ઉપલબ્ધ હોવા છતાં લાખોની કિંમતના અત્યાધુનિક ડિલિવરી અને નવજાત શિશુને બચાવવાના સાધનો ધૂળ ખાઈ રહ્યા છે. જેથી જનતાને તેનો લાભ મળતો નથી.

તાજેતરના Techo+ 2025-26 રિપોર્ટ મુજબ ગુજરાતમાં નોંધાયેલ ૧૧,૧૯,૯૮૮ ડિલિવરીમાંથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએ માત્ર ૨૯,૭૨૪ એટલે કે ૨.૬૫% જ ડિલિવરી થઈ છે. આમાં સૌથી નબળી કામગીરી કચ્છ જિલ્લાની છે. જ્યાં ૪૫,૬૭૦ ડિલિવરી સામે સરકારી કેન્દ્રોમાં માત્ર ૮૮૦ (૧.૯૩%) જ ડિલિવરી કરવામાં આવી છે. આ આંકડો સાબિત કરે છે કે અંતરિયાળ વિસ્તારોમાં રહેતી જનતા માટે સરકારી આરોગ્ય કેન્દ્રો માત્ર ‘રેફરલ સેન્ટર’ બનીને રહી ગયા છે. કચ્છના ૧૦ બ્લોકના આંકડા જોઈએ તો:

 * ગાંધીધામમાં ૭૨૩૬ ડિલિવરી સામે માત્ર ૧૪ (૦.૧૯%)

 * માંડવીમાં ૩૮૮૦ ડિલિવરી સામે માત્ર ૨૦ (૦.૫૨%)

 * ભચાઉમાં ૪૨૧૫ ડિલિવરી સામે માત્ર ૨૭ (૦.૬૪%) અને 

 * મુંદરામાં ૩૧૪૫ ડિલિવરી સામે માત્ર ૩૦ (૦.૯૫%) જ ડિલિવરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં થઈ છે.

જ્યારે તમારી પાસે ‘વિજ્ઞાન’ (દ્વારા ઉપલબ્ધ સાધનો અને ક્વોલિફાઈડ સ્ટાફ) હોવા છતાં તમે તેનો ઉપયોગ છેવાડાના માનવી માટે નથી કરી શકતા ત્યારે તે ‘સાથે ઊભા રહેવા’ના દાવાઓને પોકળ સાબિત થાય છે. સગર્ભાઓને નજીવા કારણોસર તાલુકા કે જિલ્લા કક્ષાએ રીફર કરી દેવામાં આવે છે. આના કારણે ૯૭ ટકાથી વધુ મહિલાઓએ મોંઘવારીમાં ૭૦,૦૦૦ થી ૯૦,૦૦૦નો ખર્ચ કરીને ખાનગી હોસ્પિટલોમાં જવું પડે છે.

 

શું આરોગ્ય કર્મચારીઓને પોતાના સ્વાસ્થ્યનો અધિકાર નથી?

‘Together for health’ એટલે કે ‘સ્વાસ્થ્ય માટે સાથે’ ત્યારે જ સાર્થક થાય જ્યારે તમે એ કર્મચારીઓને પણ સાથે રાખો જે જનતાના સ્વાસ્થ્યની રક્ષા કરે છે. કચ્છ આરોગ્ય મંડળને મળેલી રજૂઆત મુજબ એક પાયાના કર્મચારીઓ ગંભીર રીતે બીમાર હોવા છતાં અને એક વર્ષથી સ્વેચ્છિક નિવૃત્તિ (VRS) ની માંગણી કરવા છતાં તેઓની પેન્શનની ફાઈલો અટકાવી રાખવામાં આવી છે. ઉપરના અધિકારીઓના દબાણ અને ‘ટાર્ગેટ’ પૂરા કરવાની માનસિક કનડગતના કારણે ફિલ્ડના કર્મચારીઓનું સ્વાસ્થ્ય જોખમાઈ રહ્યું છે. જે કર્મચારીઓ જનતાના સ્વાસ્થ્યની રક્ષા કરે છે શું તેઓને પોતાના સ્વાસ્થ્ય માટે નિવૃત્તિ લેવાનો પણ અધિકાર નથી?

 

અસરો અને જોખમો

1. ​આર્થિક બોજો: સામાન્ય પરિવારો દેવાના ડુંગર નીચે દબાય છે.

2. ​તંત્ર પરથી વિશ્વાસ ઉઠવો: એકવાર ખાનગીમાં ગયા બાદ લોકો અન્ય રસીકરણ જેવી પાયાની સેવાઓ માટે પણ સરકારી તંત્ર પર વિશ્વાસ કરતા નથી.

3. ​કર્મચારીઓ પર દબાણ: પાયાના કર્મચારીઓ પર લક્ષ્યાંક પૂરા કરવાનું દબાણ વધતા તેમનું પોતાનું માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય જોખમાય છે.

4. ​સરકારની છબી: ખાનગી હોસ્પિટલોના ધંધાદારી અભિગમ અને લૂંટને કારણે સીધી અસર સરકારની લોકપ્રિયતા અને છબી પર પડે છે.

 

​ઉકેલ શું?

 

વિશ્વ આરોગ્ય દિવસે જો ફરી પાછું માતા અને બાળ મરણ અટકાવવું હોય તો Techo+ 2025-26 રિપોર્ટના આંકડાઓ પર ગંભીરતાથી વિચાર કરવો જરૂરી છે. આ માટે આયુષ્માન આરોગ્ય મંદિરો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સ્તરે જ સેવાઓ સુદ્રઢ બનાવવી અનિવાર્ય છે. જો ગ્રામ્ય કક્ષાએ જ વિનામૂલ્યે અને સલામત ડિલિવરી શરૂ થાય તો જ આરોગ્ય તંત્ર પોતાનું અસ્તિત્વ ટકાવી શકશે. જો ઘરની નજીક વિનામૂલ્યે સેવાઓ ફરી અસરકારક રીતે શરૂ કરવામાં નહીં આવે તો ધંધાદારી અભિગમ ધરાવતી પ્રાઇવેટ હોસ્પિટલો લોકોને લૂંટતી રહેશે. જેની સીધી અસર સરકારની છબી પર પડશે. ‘વિજ્ઞાન સાથે ઊભા રહીને’ અને ‘સાથે મળીને’ જ સાચું સ્વાસ્થ્ય સુધારી શકાશે એ હકીકત સ્વીકારવી જ રહી.

 

Techo+202526ReportGujarat

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 

-પુજા ઠક્કર, 

9426244508, 

ptindia112@gmail.com

Back to top button
error: Content is protected !!