કાલોલ શહેર સહિત તાલુકાની વિવિધ શાળાઓ માં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ

તારીખ ૨૧/૦૬/૨૫
સાજીદ વાઘેલા કાલોલ
21 મી જૂન એટલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ. કાલોલ કેળવણી પ્રચારક મંડળ સંચાલિત શ્રીમતી સી.બી. ગર્લ્સ હાઇસ્કુલ, કાલોલ ખાતે આજ રોજ શાળાની પ્રાર્થનાસભા બાદ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના ઇન્ચાર્જ આચાર્ય એન.પી.પટેલ દ્વારા જીવનમાં યોગનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. ત્યારબાદ શાળામાં ધોરણ – 8 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની રાઠોડ પ્રતિજ્ઞા એસ. દ્વારા યોગ વિશે સુંદર વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું. તેમજ શાળામાં ધોરણ 12 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પરિખ ધ્રુવી જે. દ્વારા યોગ વિશે સુંદર માહિતી આપવામાં આવી હતી. શાળાના શિક્ષક આર.એસ.સુતરીયાના નિર્દેશન દ્વારા વિદ્યાર્થીનીઓએ જુદા જુદા પ્રકારના પ્રાણાયામ યોગાસન ધ્યાન કર્યા હતા.શ્રી સિધ્ધનાથ એજ્યુકેશન ટ્રસ્ટ કાલોલ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યામંદિર ખાતે આજરોજ 11 માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં શાળાના આચાર્ય રિતેશભાઈ પંડ્યા દ્વારા શાળાના વિદ્યાર્થીઓને જીવનમાં યોગનું મહત્વ સમજાવવામાં આવ્યું અને વિવિધ યોગ આસનો દ્વારા કેવી રીતે જીવનમાં શારીરિક અને માનસિક સ્વસ્થતા પ્રાપ્ત કરી શકાય છે તે વિશે જાણકારી આપવામાં આવી. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ યોગ આસનો કરી નિયમિત યોગ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.






