ભારત સહિત 17 દેશોના આયાતી માલ પર 10% વધારાનો ટેરિફ લાગુ

અમેરિકાએ ભારત સહિત 17 દેશોમાંથી આયાત થતી વસ્તુઓ પર 10% વધારાની ટેરિફ લાદવાની જાહેરાત કરીને ફોર્સ્ડ લેબરથી બનાવેલા ઉત્પાદનો પર સખ્તી કરી છે. આ નિર્ણય સેક્શન 301 હેઠળ લેવામાં આવ્યો છે.
અમેરિકાએ ફોર્સ્ડ લેબર(બળજબરીથી મજૂરી) થી જોડાયેલા ઉત્પાદનો સામે એક મોટું પગલું ભરતા ભારતમાંથી આયાત થતી વસ્તુઓ પર 10% વધારાની ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. સેક્શન 301 હેઠળ હાથ ધરવામાં આવેલી તપાસ બાદ અમેરિકી ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ (USTR) ના કાર્યાલય દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. નવા દર શુક્રવાર એટલે કે આજથી અમલમાં આવશે.
USTR અનુસાર આ કાર્યવાહી એવા દેશો સામે કરવામાં આવી રહી છે જેમણે બળજબરીથી બનાવેલા ઉત્પાદનોની આયાતને પ્રતિબંધિત કરવા માટે પૂરતા અને અસરકારક પગલાં લીધા નથી અથવા આ સંદર્ભમાં નવા નિયમો લાગુ કર્યા નથી. ભારતને 10% ના નીચલા ટેરિફ સ્લેબમાં મૂકવામાં આવ્યું છે, જ્યારે કેટલાક અન્ય દેશો પર 12.5% સુધીના વધારાના ટેરિફ લાદવામાં આવશે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ બાદ 60 વેપાર ભાગીદાર દેશોની સમીક્ષા કરવામાં આવી હતી. શરૂઆતમાં એવું માનવામાં આવતું હતું કે ભારત પર 12.5% વધારાનો ટેરિફ લગાવવામાં આવી શકે છે, પરંતુ શ્રમ ધોરણો અંગે બંને દેશો વચ્ચે સકારાત્મક ચર્ચા બાદ ભારતને 10% સ્લેબમાં મૂકવામાં આવ્યું.
ભારત ઉપરાંત આર્જેન્ટિના, બાંગ્લાદેશ, કંબોડિયા, કેનેડા, એક્વાડોર, અલ સાલ્વાડોર, ગ્વાટેમાલા, હોન્ડુરાસ, ઇન્ડોનેશિયા, જોર્ડન, મલેશિયા, મેક્સિકો, પાકિસ્તાન, શ્રીલંકા, ત્રિનિદાદ અને ટોબેગો અને યુનાઇટેડ કિંગડમને પણ 10% વધારાના ટેરિફ સમૂહમાં મૂકવામાં આવ્યા છે. અન્ય ઘણા દેશોને 12.5% સુધીના વધારાના ટેરિફનો સામનો કરવો પડશે.




