INTERNATIONAL

જાપાનમાં ભૂકંપ બાદ હવે ટાયફૂન ડોલ્ફિને હાહાકાર મચાવ્યો, 2.6 લાખ લોકોને સ્થળાંતરનો આદેશ

ભૂકંપના આંચકાઓમાંથી બહાર આવ્યા બાદ જાપાન પર હવે ટાયફૂન ડોલ્ફિને નવી મુશ્કેલી ઊભી કરી છે. તીવ્ર પવન, ભારે વરસાદ અને ઊંચા મોજાંના જોખમ વચ્ચે લાખો લોકો એલર્ટ પર છે. જાપાનમાં વાવાઝોડા ડોલ્ફિને લોકોની મુશ્કેલીઓ વધારી દીધી છે. દક્ષિણ-પશ્ચિમ જાપાનના ઓકિનાવા વિસ્તાર સાથે આ વાવાઝોડું ત્રાટક્યું છે. જેના કારણે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, અને સતત ભારે વરસાદ પડી રહ્યો છે. જાપાનની હવામાન એજન્સી (JMA) એ ઓકિનાવા અને કાગોશિમા પ્રાંતના લગભગ 2.6 લાખ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસી જવાનો આદેશ આપ્યો છે.

ખરાબ હવામાનના કારણે 500 થી વધુ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વાવાઝોડા સાથે 144 કિમી પ્રતિ કલાકની ઝડપે સતત પવન ફૂંકાઈ રહ્યો છે, જ્યારે પવનના ઝાપટા 198 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી રહ્યા છે. સાવચેતીના ભાગરૂપે ટોયોટાએ તેના 9 કારખાનાઓમાં કામકાજ અટકાવી દીધું છે.

ઓકિનાવા, અમામી અને દક્ષિણી ક્યુશુમાં અત્યંત ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આગામી બે દિવસમાં ઘણા વિસ્તારોમાં 100 થી 250 મીમી સુધી વરસાદ પડી શકે છે, જ્યારે કેટલાક સ્થળોએ 350 મીમીથી વધુ વરસાદનું અનુમાન છે. આનાથી નદીઓમાં પૂર, જળબંબાકાર અને પહાડી વિસ્તારોમાં લેન્ડસ્લાઈડનું જોખમ વધી ગયું છે.

વાવાઝોડાની અસર કુમામોટો પ્રાંત સુધી પણ પહોંચી રહી છે, જ્યાં તાજેતરમાં 7.1 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપના કારણે ઘર ગુમાવનારા આશરે 6,700 લોકો હાલ રાહત શિબિરોમાં રહી રહ્યા છે, જેમના માટે આ વાવાઝોડું અને ભારે વરસાદ મુશ્કેલીઓ વધારી શકે છે. તંત્ર દ્વારા સમગ્ર દક્ષિણ-પશ્ચિમ જાપાનમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

Back to top button
error: Content is protected !!