INTERNATIONAL

અમેરિકાની આઠમી સૌથી મોટી એરલાઈને રાતોરાત 9,000 ફ્લાઈટ રદ કરતા 18 લાખથી વધુ પ્રવાસી રઝળી પડયા

મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન યુદ્ધની અસર દુનિયાના દરેક દેશના અર્થતંત્ર પર પડી રહી છે ત્યારે અમેરિકા પણ તેમાંથી બાકાત નથી. મધ્ય-પૂર્વમાં યુદ્ધના કારણે દુનિયામાં ક્રૂડ ઓઈલના ભાવ આકાશને આંબી રહ્યા છે ત્યારે અમેરિકાની અગ્રણી લો બજેટ એરલાઈન સ્પિરિટ એરલાઈન્સે શનિવારે તાત્કાલિક અસરથી તેનો કારોબાર સંપૂર્ણપણે બંધ કરવાની જાહેરાત કરી છે. અનોખી જાહેરાતો અને અત્યંત સસ્તા હવાઈ ભાડાં માટે લોકપ્રિય એરલાઈનનો પ્રવાસ 34 વર્ષે પૂરો થઈ ગયો છે.

અમેરિકાની અલ્ટ્રા લો-કોસ્ટ અને ચમકીલા પીળા રંગના વિમાનોનું સંચાલન કરતી સ્પિરિટ એરલાઈન અમેરિકાની આઠમી સૌથી મોટી એરલાઈન હતી અને સસ્તી ટિકિટનું મોડેલ શરૂ કરવામાં પાયોનીયર મનાતી હતી. ઈરાન યુદ્ધના કારણે જેટ ફ્યુઅલના ભાવમાં અસાધારણ વધારા વચ્ચે એરલાઈન બે વર્ષથી ઓછા સમયમાં બીજી વખત દેવાળીયા પ્રક્રિયામાંથી પસાર થઈ રહી હતી. કોર્ટના દસ્તાવેજો મુજબ કંપની પર 8.1 અબજ ડોલરનું દેવું હતું. એરલાઈન બંધ થતા 17000 કર્મચારીઓના બેરોજગાર થવાનું જોખમ ઊભું થયું છે.

સ્પિરિટ એરલાઈન્સે શનિવારે અચાનક જ તેની બધી જ ફ્લાઈટ્સ રદ કરી દીધી, કસ્ટમર સર્વિસ બંધ કરી દીધી. મે મહિનામાં જ કંપનીની અંદાજે ૯,૦૦૦ ફ્લાઈટ્સ શેડયુલ હતી, જેમાં અંદાજે 18 લાખ સીટ બૂક હતી. એટલે કે કંપનીના આ નિર્ણયથી દૈનિક 60000 પ્રવાસી પર અસર થઈ છે. અમેરિકામાં એક સમયે સ્પિરિટ એરલાઈન્સની દરરોજ સેંકડો ફ્લાઈટ્સ ઉડતી હતી.

કંપનીએ શનિવારે કહ્યું, અમને છેલ્લા 34 વર્ષમાં અમારા અત્યંત નીચા ખર્ચ મોડલની અસર પર ગર્વ છે. અમને આશા હતી કે અમે આગામી અનેક વર્ષો સુધી પ્રવાસીઓની સેવા કરતા રહીશું. કંપનીએ સ્પષ્ટ કરી દીધું કે તેઓ કોઈ અન્ય એરલાઈનમાં રીબુકિંગમાં મદદ નહીં કરી શકે. જે લોકોએ કાર્ડથી ટિકિટ ખરીદી હતી તેમને રીફંડ મળી શકે છે, પરંતુ વાઉચર અથવા પોઈન્ટ્સથી ટિકિટ ખરીદનારા લોકોએ લાંબી રાહ જોવી પડી શકે છે. એરલાઈનના આ નિર્ણયના કારણે હજારો પ્રવાસીઓએ છેલ્લી ઘડીએ મોંઘી ટિકિટો લઈને અન્ય ફ્લાઈટ્સમાં ટિકિટ ખરીદવી પડી રહી છે.

મધ્ય-પૂર્વમાં યુદ્ધના કારણે જેટ ફ્યુઅલના ભાવ લગભગ બમણા થઈ ગયા છે. એરલાઈન ઈન્ડસ્ટ્રીમાં ઈંધણ બીજો સૌથી મોટો ખર્ચ હોય છે અને સ્પિરિટ જેવી અલ્ટ્રા લો-કોસ્ટ એરલાઈન કંપની માટે આ ફટકો સહન કરવો મુશ્કેલ બની ગયો હતો. પ્રમુખ ટ્રમ્પે કહ્યું કે, તેમની સરકારે બજેટ એરલાઈનને દેવાળીયા થતી બચાવવા માટે કરદાતાઓના નાણાંથી સંપાદનનો અંતિમ પ્રસ્તાવ આપ્યો હતો, પરંતુ સમજૂતી થઈ શકી નહોતી.

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને સ્પિરિટ એરલાઈનની ખરીદીને પોતાના નાણાકીય વિજય તરીકે બતાવી શકાઈ હોત તો તેના સંપાદનમાં કોઈ વાંધો નહોતો અને તે કરદાતાઓના નાણાંથી ચાલતી વધુ એક મોટું ઔદ્યોગિક સાહસ બની રહ્યું હોત. ટ્રમ્પને અમેરિકન અર્થતંત્રના વિકાસ માટે અમેરિકાની બ્રાન્ડ લેગસી કંપનીઓમાં સક્રિય રોકાણકાર તરીકેની ભૂમિકાનો વિચાર ગમી ગયો છે. બીજી વખત પ્રમુખ તરીકેનો કાર્યકાળ સંભાળ્યા પછી ટ્રમ્પને ઈન્ટેલ જેવી અમેરિકાની બ્રાન્ડ લેગસી જેવી કંપનીઓને જાળવી રાખવા માટે સરકાર દ્વારા તેની ખરીદીની વિચાર ગમી ગયો છે. આ રીતે ટ્રમ્પ અમેરિકન સરકાર માટે આ કંપનીઓ મારફત નફો રળવાની સંભાવના પણ જોઈ રહ્યા છે. ટ્રમ્પ આ રોકાણોને આર્થિક સુરક્ષા માટે જરૂરી અને પોતાની વેપારી કુશળતાના પ્રતીક તરીકે જોઈ રહ્યા છે. જોકે, ટ્રમ્પે અમેરિકાની અલ્ટ્રા લો કોસ્ટ એરલાઈન સ્પિરિટ એરલાઈનને ખરીદવા મુદ્દે મૌન સેવ્યું હતું. સ્પિરિટ એરલાઈનને રાહત પેકેજ આપવા સામે ટ્રમ્પનો વિરોધ મુખ્યત્વે વિચારધારા કે સિદ્ધાંત આધારિત નહીં પરંતુ તે વધુ નાણાકીય લાભ મેળવવા માટેનો હતો.

#

Back to top button
error: Content is protected !!