INTERNATIONAL

બ્રિટને 16 વર્ષથી નાની ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ !!!

મોબાઇલ સ્ક્રીન, રીલ્સ અને કલાકો સુધી સ્ક્રોલિંગના યુગમાં બ્રિટને નાના બાળકોને આ વ્યસનથી બચાવવા માટે એક મોટો નિર્ણય લીધો છે. બ્રિટિશ સરકારે 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી છે. બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મરે સોમવારે(15 જૂન) આ નિર્ણયની જાહેરાત કરતા કહ્યું કે, ‘બાળકોના બાળપણને બચાવવા અને તેમના માનસિક સ્વાસ્થ્યને સુરક્ષિત રાખવા માટે આ પગલું ભરવું જરૂરી છે.’

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વીડિયો દ્વારા PM સ્ટાર્મરે જણાવ્યું હતું કે, ‘આજના બાળકો એવી દુનિયામાં મોટા થઈ રહ્યા છે જ્યાં ટેકનોલોજી તેમના જીવનના દરેક પાસાનો ભાગ બની ગઈ છે. હજારો માતા-પિતા સાથે વાત કર્યા પછી અને વ્યાપક પરામર્શ કર્યા પછી સરકારે તારણ કાઢ્યું કે, સોશિયલ મીડિયાનું વ્યસન બાળકોના માનસિક સ્વાસ્થ્ય, ઊંઘ, રમત અને પારિવારિક જીવન પર ગંભીર અસર કરી રહ્યું છે.’

બ્રિટિશ વડાપ્રધાને કહ્યું કે, ‘મોટી સંખ્યામાં માતા-પિતાએ ફરિયાદ કરી છે કે તેમના બાળકો સોશિયલ મીડિયાના વ્યસની બની ગયા છે. કલાકો સુધી સ્ક્રોલ કરવાની આદત બાળકોને રમત, અભ્યાસ, પરિવાર અને વાસ્તવિક સામાજિક જીવનથી દૂર કરી રહી છે. આ ફક્ત સ્ક્રીન ટાઇમનો પ્રશ્ન નથી, પરંતુ બાળકોની માનસિક અને ભાવનાત્મક સલામતીનો પણ પ્રશ્ન છે. સોશિયલ મીડિયા આપણા બાળકોને અસુરક્ષિત અને દુખી બનાવી રહ્યું છે.’

બ્રિટિશ સરકારનું કહેવું છે કે, ‘આ નિર્ણય ઉતાવળમાં લેવામાં આવ્યો ન હતો. નિષ્ણાતોના અભિપ્રાય, વૈજ્ઞાનિક અભ્યાસો અને અન્ય દેશોના અનુભવોને કાળજીપૂર્વક ધ્યાનમાં લીધા પછી સરકારે આ પગલું ભર્યું છે. PM સ્ટાર્મરે સ્વીકાર્યું કે વિશ્વની કેટલીક મોટી ટેક કંપનીઓ આ નિર્ણયનો વિરોધ કરી શકે છે, પરંતુ સરકાર પીછેહઠ કરી રહી નથી. આ નિર્ણય સરળ નહોતો. અમે જાણીએ છીએ કે કેટલીક કંપનીઓ તેનો વિરોધ કરશે, પરંતુ બાળકોની સલામતી કોઈપણ વ્યાપારી હિત કરતાં વધુ મહત્ત્વપૂર્ણ છે.’

યુકેનું આ પગલું એવા સમયે આવ્યું છે જ્યારે વિશ્વભરના ઘણા દેશો સગીરો દ્વારા સોશિયલ મીડિયાના ઉપયોગને નિયંત્રિત કરતા કડક કાયદાઓ તરફ આગળ વધી રહ્યા છે. ઓસ્ટ્રેલિયાએ 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે વ્યાપક સોશિયલ મીડિયા પ્રતિબંધ લાગુ કરી દીધો છે. જ્યારે ફ્રાન્સ 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પ્રતિબંધને કાયદેસર બનાવવાની પ્રક્રિયાને ઝડપી બનાવી રહ્યું છે.

જાપાનમાં એક સરકારી પેનલે તાજેતરમાં સોશિયલ મીડિયા કંપનીઓ માટે કડક વય ચકાસણી નિયમો અને બાળકોને અસર કરી શકે તેવી કેટલીક સુવિધાઓ પર પ્રતિબંધ મૂકવાની ભલામણ કરી છે. સ્પેન અને ડેનમાર્ક પણ સમાન પગલાં લેવાનું વિચારી રહ્યા છે. નિષ્ણાતો માને છે કે, બ્રિટનનો નિર્ણય વૈશ્વિક ડિજિટલ નીતિમાં મોટો ફેરફાર લાવી શકે છે. ભવિષ્યમાં અન્ય દેશો પણ બાળકોની ઓનલાઈન સલામતી, માનસિક સ્વાસ્થ્ય અને સોશિયલ મીડિયા વ્યસનને સંબોધવા માટે સમાન કડક પગલાં લઈ શકે છે.

Back to top button
error: Content is protected !!