INTERNATIONAL

ઈલોન મસ્કે ટ્રમ્પના ટેક્સ અને ખર્ચ સાથે જોડાયેલા બિગ બ્યુટીફૂલ બિલનો ફરી વિરોધ કર્યો

ઈલોન મસ્કે ટ્રમ્પના ટેક્સ અને ખર્ચ સાથે જોડાયેલા બિગ બ્યુટીફૂલ બિલનો ફરી વિરોધ કર્યો છે. મસ્કે આ બિલને ‘અમેરિકાને નાદાર બનાવનાર’ બિલ ગણાવ્યું અને પોતાના 20 કરોડથી વધુ ફોલોઅર્સને અપીલ કરી કે, સાંસદોને ફોન કરીને કહો ‘KILL the BILL’. તેમજ મસ્કે સતત આ બિલનો વિરોધ કરી રહ્યા છે. તેમણે આ બિલને બજેટ ખાધમાં વધારો કરનારું બિલ ગણાવ્યું છે.

એલોન મસ્ક સરકારી વિભાગ ‘ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી’ (DOGE) ના વડા રહી ચૂકયા છે, જોકે હવે આ વિભાગ નાબૂદ કરવામાં આવ્યો છે. તેથી, મસ્ક હવે આ બિલ સામે પોતાની બધી તાકાત એકઠી કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, ‘મોટા ખર્ચવાળું આ બિલ અમેરિકાને નષ્ટ કરી રહ્યું છે. બસ હવે બહુ થયું. આ બિલ અમેરિકાના દેવામાં વધુ 5 ટ્રિલિયન ડોલરનો વધારો કરશે અને આ દેશને ઝડપથી મોટી ખાધ તરફ દોરી જશે. આથી આ પહેલા જ તેને રદ કરવું જોઈએ.’

જો કે કેટલાક ટોચના રિપબ્લિકન નેતાઓએ એલોન મસ્કની ટીકાને ફગાવી દીધી છે. સેનેટર કેવિન ક્રેમરએ જણાવ્યું કે, ‘મને નથી લાગતું કે ઘણાં સેનેટરો એલોનની વાતોમાં રસ ધરાવે છે. તે રમૂજી છે, પરંતુ અમે ગંભીર નીતિ નિર્માતા છીએ, અમારે વાસ્તવિકતા સાથે કામ કરવું પડે છે.’

નોંધનીય છે કે, આ બિલમાં કેટલીક એવી સબસિડી સમાપ્ત કરવાની વાત છે, જેનો લાભ ટેસ્લાને મળી રહ્યો છે. જેના પગલે મસ્કનો વિરોધ વધુ તીવ્ર બન્યો છે. તેમણે ટ્રમ્પના આ બિલને કૌભાંડોથી ભરેલું ગણાવતા કહ્યું કે, ‘મને ખેદ છે, પરંતુ હવે સહન નથી થતું. આ ખર્ચાઓથી ભરેલું, ગંદુ – શરમજનક બિલ છે. જેમણે તેને મત આપ્યો છે, તેમને પોતાના આ કામ પર શરમ આવવી જોઈએ.’

આ એક નવું ટેક્સ બિલ છે, જે અમેરિકામાં કામ કરતા વિદેશી લોકોને લાગુ પડે છે. આ અંતર્ગત, અમેરિકામાં કામ કરતા વિદેશી નાગરિકો પોતાના દેશમાં પૈસા મોકલે છે, તો તે રકમ પર 3.5% ટેક્સ ચૂકવવો પડશે. શરૂઆતમાં આ ટેક્સ રેટ 5% રાખવાનો પ્રસ્તાવ હતો, પરંતુ વિવાદ બાદ તેને ઘટાડીને 3.5% કરવામાં આવ્યો. એટલે કે જો હવે અમેરિકાથી રૂ. 1,00,000 મોકલવામાં આવે છે, તો 3.5% ટેક્સ મુજબ રૂ. 3500 ટેક્સ ચૂકવવાનો રહેશે.

Back to top button
error: Content is protected !!