INTERNATIONAL

બાંગ્લાદેશમાં પ્રેસની સ્વતંત્રતા જોખમમાં, 167 પત્રકારોની માન્યતા રદ

બાંગ્લાદેશમાં વચગાળાની સરકારે 167 પત્રકારોની માન્યતા રદ કરી દીધી છે. હવે બાંગ્લાદેશની એડિટર્સ કાઉન્સિલે વચગાળાની સરકારના આ નિર્ણયની નિંદા કરી છે અને કહ્યું કે, આ કાર્યવાહી પ્રેસની સ્વતંત્રતાને જોખમમાં મૂકે છે. આ પગલાથી સેન્સરશિપનો જોખમ ઉત્પન્ન થાય છે અને લોકતાંત્રિત માહોલ પણ નબળો બને છે.

બાંગ્લાદેશના એક અખબારે મંગળવારે અહેવાલ આપ્યો હતો કે, પ્રેસ માહિતી વિભાગે ત્રણ તબક્કામાં 167 પત્રકારોની માન્યતા રદ કરી દીધી છે. તેમાં ઘણા અનુભવી પત્રકારો અને સંપાદકોનો પણ સામેલ છે. જેના કારણે એડિટર્સ કાઉન્સિલ ચિંતિત છે.

કાઉન્સિલ દ્વારા જારી કરાયેલી એક પ્રેસ રિલીઝ પ્રમાણે આમ તો સૂચના મંત્રાલય પાસે માન્યતાના કોઈપણ દુરુપયોગની તપાસ કરવાનો અધિકાર છે. પરંતુ અમારું માનવું છે કે, સ્પષ્ટ આરોપો અથવા પુરાવા વિના પ્રેસ કાર્ડ રદ કરવું એ ખતરનાક મિશાલ ઊભી કરે છે. આ કાર્યવાહી પ્રેસની સ્વતંત્રતાને જોખમમાં મૂકે છે અને લોકતાંત્રિક માહોલને નબળો બનાવે છે.

બાંગ્લાદેશની વચગાળાની સરકારે રવિવારે જણાવ્યું હતું કે, તે ભારતમાંથી પદભ્રષ્ટ વડાપ્રધાન શેખ હસીના અને અન્ય લોકોને પરત લાવવા માટે ઈન્ટરપોલની મદદ માગશે. હસીના અને તેમની પાર્ટીના નેતાઓ પર વિદ્યાર્થી આંદોલનને ક્રૂર દમનનો આદેશ આપવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

વચગાળાની સરકારના જણાવ્યા પ્રમાણે વિરોધ પ્રદર્શન દરમિયાન 753 લોકો માર્યા ગયા હતા અને હજારો ઘાયલ થયા હતા. ઓક્ટોબર સુધીમાં શેખ હસીના અને તેમના પક્ષના નેતાઓ વિરુદ્ધ માનવતા વિરુદ્ધ ગુનો અને નરસંહારની 60 થી વધુ ફરિયાદો નોંધવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!