INTERNATIONAL

12 દેશોમાં હંટા વાયરસ ફેલાવાનો ખતરો : WHO

વિશ્વ ફરી એક વખત એક ગંભીર ચેપી બીમારીના ભય સામે સતર્ક બન્યું છે. જીવલેણ ગણાતા હંટા વાયરસને લઈને વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે WHO દ્વારા 12 દેશોને ચેતવણી આપવામાં આવી છે. દક્ષિણ એટલાન્ટિક મહાસાગર વિસ્તારમાં ફરતા ક્રૂઝ શિપ “MV Hondius” પર નોંધાયેલા કેસો બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા વધી ગઈ છે. આ ક્રૂઝ શિપ પર રહસ્યમયી શ્વસન સંબંધિત બીમારીના અનેક કેસો સામે આવ્યા હતા, જેમાં અત્યાર સુધીમાં ત્રણ લોકોના મોત થયાની માહિતી સામે આવી છે. મૃતકોમાં એક ડચ દંપતી અને એક જર્મન નાગરિકનો સમાવેશ થાય છે. WHO અનુસાર કુલ આઠ લોકોમાં ગંભીર ચેપ જેવા લક્ષણો જોવા મળ્યા છે, જેમાંથી પાંચ કેસ હંટા વાયરસ સાથે જોડાયેલા હોવાની પુષ્ટિ થઈ છે.

અહીં સૌથી ચિંતાજનક બાબત એ છે કે, કેટલાક મુસાફરો તબીબી તપાસ પૂર્ણ થાય તે પહેલાં જ શિપમાંથી ઉતરી પોતાના દેશોમાં પાછા ફરી ગયા હતા. આ કારણે હવે અનેક દેશોમાં સંક્રમણ ફેલાવાનો ભય ઊભો થયો છે. WHOએ કેનેડા, ડેનમાર્ક, જર્મની, નેધરલેન્ડ, ન્યૂઝીલેન્ડ, સેન્ટ કિટ્સ એન્ડ નેવિસ, સિંગાપોર, સ્વીડન, સ્વિટ્ઝર્લૅન્ડ, તુર્કી, બ્રિટન અને અમેરિકા સહિત 12 દેશોને એલર્ટ મોકલ્યું છે.

WHOના ડિરેક્ટર જનરલ Tedros Adhanom Ghebreyesusએ જણાવ્યું હતું કે, જો ઝડપથી અને યોગ્ય જાહેર આરોગ્ય પગલાં લેવામાં આવશે તો પરિસ્થિતિ નિયંત્રણમાં રહી શકે છે. જોકે અનેક દેશોમાં કોન્ટેક્ટ ટ્રેસિંગ અને મેડિકલ તપાસ ચાલુ હોવાથી આગળ વધુ કેસ સામે આવવાની શક્યતા નકારી શકાય નહીં.

MV Hondius નામના આ જહાજને લઈને પરિસ્થિતિ વધુ ગંભીર બની છે કારણ કે ઘણા દેશો તેને પોતાના બંદરો પર ઉતરવાની મંજૂરી આપવા તૈયાર નથી. મીડિયા અહેવાલો મુજબ, મોરોક્કોએ પણ મેડિકલ ઇમરજન્સી વચ્ચે વિમાનને ઉતરવાની મંજૂરી આપી નહોતી. બીજી તરફ, સ્પેને માનવતાવાદી ધોરણે મદદ કરવાની તૈયારી દર્શાવી છે.

Back to top button
error: Content is protected !!