INTERNATIONAL

જાપાનમાં ફરી એકવાર શક્તિશાળી ભૂકંપ, તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.9 નોંધાઈ

જાપાનમાં બુધવારે ફરી એકવાર શક્તિશાળી ભૂકંપના ઝાટકાઓ અનુભવાયા હતા. પ્રાથમિક વિગતો મુજબ દક્ષિણ જાપાનના કાગોશિમા વિસ્તારમાં આવેલા આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.9 નોંધાઈ હતી. ભૂકંપની અસર એટલી જોરદાર હતી કે અનેક ઇમારતો હચમચી ઉઠી અને લોકો ભયભીત બની ઘરોની બહાર દોડી આવ્યા હતા.

જાપાન હવામાન એજન્સી (JMA) દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર ઓકિનાવાના મુખ્ય ટાપુ નજીક હતું. જાપાનની તીવ્રતા માપવાની વિશેષ સ્કેલ પર આ ભૂકંપની અસર “હાઈ 5” સુધી નોંધાઈ હતી, જેને મધ્યમથી વધુ શક્તિશાળી માનવામાં આવે છે. જોકે સદનસીબે ભૂકંપ બાદ તાત્કાલિક સુનામીનો કોઈ ખતરો જાહેર કરવામાં આવ્યો નથી.

પ્રાથમિક માહિતી મુજબ હજુ સુધી કોઈ મોટી જાનહાનિ કે ભારે નુકસાનના અહેવાલ સામે આવ્યા નથી. તેમ છતાં સ્થાનિક પ્રશાસન અને બચાવ એજન્સીઓ દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે, ભૂકંપની તીવ્રતા અને નુકસાન અંગે વધુ માહિતી આગામી મૂલ્યાંકન બાદ જાહેર થઈ શકે છે. ભૂકંપ પછી લોકોને સાવચેતી રાખવા ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. લોકોને ‘ડ્રોપ, કવર એન્ડ હોલ્ડ’ એટલે કે નીચે બેસી જવું, સુરક્ષિત સ્થળે ઢાંકી લેવું અને મજબૂત રીતે પકડી રાખવું જેવી સલામતીની રીતો અનુસરવાની સલાહ આપવામાં આવી છે. સાથે જ પાણી, સુકા ખાદ્યપદાર્થો, ટોર્ચ, બેટરી અને પ્રાથમિક સારવાર જેવી જરૂરી વસ્તુઓથી સજ્જ ઇમરજન્સી કીટ તૈયાર રાખવા પણ અપીલ કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!