EPI 2026 રિપોર્ટમાં પર્યાવરણ અંગે ભારતની કથળેલી સ્થિતિ, 177 દેશોની યાદીમાં 176મા ક્રમે !!!

આજના ઝડપથી બદલાતા યુગમાં આર્થિક પ્રગતિની સાથે પર્યાવરણનું સંતુલન જાળવવું એ વિશ્વના તમામ દેશો માટે સૌથી મોટો પડકાર બની ગયું છે. તાજેતરમાં જાહેર થયેલા પર્યાવરણ પ્રદર્શન સૂચકાંક (Environmental Performance Index – EPI) 2026 ના અહેવાલે વૈશ્વિક સ્તરે પર્યાવરણીય સ્વાસ્થ્ય અને આબોહવા પરિવર્તન અંગેની સ્થિતિ સ્પષ્ટ કરી છે. યેલ યુનિવર્સિટી અને કોલંબિયા યુનિવર્સિટીના વિજ્ઞાનીઓ દ્વારા તૈયાર કરાયેલા આ સૂચકાંકમાં 177 દેશોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે, જેમાં એક તરફ યુરોપિયન દેશોએ ઉચ્ચ ક્રમાંક મેળવીને ઊર્જા ક્ષેત્રે શ્રેષ્ઠતા સાબિત કરી છે, તો બીજી તરફ ભારત અને લાઓસ જેવા દેશો લિસ્ટમાં સૌથી નીચલા ક્રમે રહ્યા છે.
EPI એ ડેટા-આધારિત વૈશ્વિક બેન્ચમાર્ક છે, જે વર્ષ 2000માં શરૂ કરાયો હતો અને ત્યારથી દર 2 વર્ષે પ્રકાશિત થાય છે. આ અહેવાલ યુનાઇટેડ નેશન્સના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDGs) અને પેરિસ આબોહવા કરારના લક્ષ્યો પ્રાપ્ત કરવામાં દેશો કેટલા નજીક છે તે માપે છે.
EPI 2026 ના અહેવાલમાં 177 દેશોનું મૂલ્યાંકન 12 મુખ્ય મુદ્દાઓ સાથે જોડાયેલા 47 પર્યાવરણીય સૂચકાંકોના આધારે કરવામાં આવ્યું છે. આ સૂચકાંકોને 3 મુખ્ય ઉદ્દેશ્યોમાં વહેંચવામાં આવ્યા છે.
-
ઇકોસિસ્ટમ જીવનશક્તિ (Ecosystem Vitality): કુલ સ્કોરમાં 45% યોગદાન, જેમાં વૃક્ષોનું રક્ષણ, જંતુનાશક પ્રદૂષણના જોખમો, મત્સ્યઉદ્યોગ અને જૈવવિવિધતા શામેલ છે.
-
આબોહવા પરિવર્તન શમન (Climate Change Mitigation): કુલ સ્કોરમાં 30% યોગદાન, જેમાં ગ્રીનહાઉસ ગેસ અને કાર્બન ઉત્સર્જનનો દર શામેલ છે.
-
પર્યાવરણીય સ્વાસ્થ્ય (Environmental Health): કુલ સ્કોરમાં 25% યોગદાન, જેમાં હવાની ગુણવત્તા, પીવાનું સ્વચ્છ પાણી અને સૂક્ષ્મ કણોનું પ્રમાણ શામેલ છે.
EPI 2026 માં ભારતનો એકંદર સ્કોર 100 માંથી માત્ર 22.46 રહ્યો છે, જેના કારણે ભારત 176મા ક્રમે (છેલ્લેથી બીજા ક્રમે) છે. લાઓસ 21.78 ના સ્કોર સાથે 177મા ક્રમે સૌથી છેલ્લે છે. દક્ષિણ એશિયાના 8 દેશોમાં પણ ભારત 7મા સ્થાને, સૌથી નીચલા ક્રમે આવે છે. મુખ્ય ક્ષેત્રોમાં ભારતનો સ્કોર અને રેન્કિંગ જોઈએ.
-
પર્યાવરણીય સ્વાસ્થ્ય (Environmental Health): 174મો ક્રમ
-
ઇકોસિસ્ટમ જીવનશક્તિ (Ecosystem Vitality): 171મો ક્રમ
-
કચરા વ્યવસ્થાપન અને સ્વચ્છતા (Waste Management & Sanitation): 141મો ક્રમ
-
આબોહવા પરિવર્તન નીતિ (Climate Change Policy): 130મો ક્રમ
પશ્ચિમી દેશોની સરખામણીમાં ભારતમાં માથાદીઠ કાર્બન ઉત્સર્જન ઓછું છે, પરંતુ અન્ય ચાર કારણોસર ભારત આ મુદ્દે પાછળ રહી જાય છે. ભારતના નીચા સ્કોર માટે મુખ્ય જવાબદાર પરિબળો નીચે મુજબ છે.
-
ઝડપથી વધી રહેલું શહેરી વાયુ પ્રદૂષણ
-
ઊર્જા માટે કોલસા પરની નિર્ભરતા
-
જૈવવિવિધતામાં ઘટાડો (ઉદાહરણઃ ભારતમાં વધુ પડતી માછલીઓ પકડવામાં આવે છે)
-
દરિયાઈ વિસ્તારની નબળી સુરક્ષા
આ અહેવાલ ભારત માટે ‘વેક-અપ કૉલ’ છે. ભલે EPI ની પદ્ધતિ અને માપદંડો અંગે ચર્ચાઓ થતી રહે, પરંતુ જમીની વાસ્તવિકતા એ છે કે વાયુ પ્રદૂષણ, જૈવવિવિધતાનું સંરક્ષણ અને કચરા વ્યવસ્થાપન જેવા ક્ષેત્રોમાં ભારતે હજુ ઘણું કામ કરવાનું બાકી છે. શહેરોમાં ઝેરી હવા, જંગલોનો વિનાશ અને પ્રદૂષણને આર્થિક વિકાસના નામે સ્વીકારી શકાય નહીં. ભારતે ‘પહેલાં વિકાસ કરો, પછી સફાઈ કરો’ ના બદલે ટકાઉ વિકાસનું મોડેલ અપનાવવું પડશે. જો ભારત આર્થિક પ્રગતિની સાથે સાથે પર્યાવરણીય નીતિઓનું સખત અમલીકરણ કરશે, તો જ આવનારી પેઢીઓ માટે એક સ્વચ્છ, સુરક્ષિત અને ટકાઉ ભવિષ્યનું નિર્માણ થઈ શકશે.




