ટ્રમ્પના કાર્યક્રમમાં અંધાધૂંધ ગોળીબાર, સિક્રેટ સર્વિસે બચાવ્યો જીવ, એક હુમલાખોર પકડાયો

અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં શનિવારે (24મી એપ્રિલ) રાત્રે 8:45 વાગ્યે (અમેરિકાના સમય મુજબ) એક અત્યંત ચકચારી ઘટના બની છે. વોશિંગ્ટન હિલ્ટન હોટેલમાં આયોજિત ‘કોરસપોન્ડન્ટ ડિનર’ દરમિયાન અચાનક ગોળીબારનો અવાજ સંભળાતા નાસભાગ મચી ગઈ હતી. આ કાર્યક્રમમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, તેમના પત્ની મેલાનિયા ટ્રમ્પ અને ઉપપ્રમુખ જેડી વેન્સ હાજર હતા. સદનસીબે, સિક્રેટ સર્વિસે ત્વરિત કાર્યવાહી કરીને તમામને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.
અહેવાલો અનુસાર, શનિવારે જ્યારે કોરસપોન્ડન્ટ ડિનર કાર્યક્રમ ચાલી રહ્યો હતો, ત્યારે હોટેલની અંદર ચારથી છ રાઉન્ડ ગોળીબારનો અવાજ સંભળાયો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યાનુસાર, અવાજ સંભળાતા જ હોલમાં હાજર અંદાજે 2600 મહેમાનોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને લોકો “નીચે ઉતરો, નીચે ઉતરો”ની બૂમો પાડી ટેબલ નીચે સંતાઈ ગયા હતા.
ગોળીબારના અવાજ સાંભળતાની સાથે જ રાષ્ટ્રપ્રમુખની સુરક્ષા માટે જવાબદાર સિક્રેટ સર્વિસના એજન્ટોએ મોરચો સંભાળી લીધો હતો. અધિકારીઓએ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પ અને ઉપપ્રમુખ જેડી વેન્સને તાત્કાલિક સ્ટેજ પરથી ઉતારી સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા. આ ઘટનામાં હજુ સુધી કોઈને ઈજા થઈ હોવાના અહેવાલ નથી.
ઘટનાના એક કલાક બાદ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે ‘ટ્રુથઆઉટ’ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જાણકારી આપી હતી કે એક હુમલાખોરની ધરપકડ કરવામાં આવી છે. તેમણે સીક્રેટ સર્વિસ અને કાયદા અમલીકરણ એજન્સીઓની કામગીરીના વખાણ કરતા જણાવ્યું કે, ‘ડીસીમાં તે ખૂબ જ વ્યસ્ત સાંજ હતી અને એજન્સીઓએ શાનદાર કામ કર્યું છે.’
વ્હાઇટ હાઉસ કોરસપોન્ડન્ટ એસોસિયેશન દ્વારા દર વર્ષે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જેમાં પત્રકારો, દિગ્ગજ રાજકારણીઓ અને હોલીવુડની હસ્તીઓ ભાગ લે છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પ્રેસની સ્વતંત્રતાની ઉજવણી અને પત્રકારત્વ માટે શિષ્યવૃત્તિ એકત્ર કરવાનો હોય છે.
હાલમાં સિક્રેટ સર્વિસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા ધરપકડ કરાયેલા શંકાસ્પદની પૂછપરછ કરવામાં આવી રહી છે અને હોટેલ પરિસરમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.







